<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

પહેલા જમ્‍મુ-કાશ્‍મીરની ખાલી ૨૪ બેઠકો ભરો પછી પાકિસ્‍તાનના વિલીનીકરણની વાત કરો : અખિલેશે યોગી ઉપર નિશાન સાધ્‍યું

લખનૌ, તા.૧૬: ૧૫મી ઓગસ્‍ટે દેશ ૭૮મો સ્‍વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશના મુખ્‍યાલયમાં આયોજિત કાર્યક્રમમાં સપાના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, ‘દેશની સરહદો અસુરક્ષિત છે. પાડોશી દેશો સાથેના સંબંધો બગડ્‍યા છે. દરરોજ આતંકી હુમલામાં જવાનોના જીવ જાય છે. આપણે વિચારવું પડશે કે સરહદો કેવી રીતે સુરક્ષિત કરવી. પાડોશી દેશમાં જે બન્‍યું છે તેના સંદર્ભમાં આપણા મુખ્‍યમંત્રી તેજ ગતિએ દોડી રહ્યા છે. દિલ્‍હીથી સમાચાર આવ્‍યા છે કે આપણે આ મામલે આગળ આવવું જોઈએ. હવે તેઓ (યોગી આદિત્‍યનાથ) મુખ્‍યમંત્રી તરીકે વિદેશ નીતિ પર ભાષણ આપી રહ્યા છે.'

સપાના વડા અખિલેશે યાદવે જણાવ્‍યું હતું કે, ભાજપે પહેલા જમ્‍મુ-કાશ્‍મીર વિધાનસભામાં ખાલી પડેલી ૨૪ બેઠકો ભરવી જોઈએ. પછી કોઈ અન્‍ય દેશ (પાકિસ્‍તાન)ના ભારતમાં વિલીનીકરણની વાત કરવી જોઈએ. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્‍તાન કાં તો ભારતમાં ભળી જશે અથવા તો ઈતિહાસમાંથી હંમેશા માટે ભૂંસાઈ જશે. મહર્ષિ અરબિંદોએ ૧૯૪૭માં જ જાહેર કર્યું હતું કે પાકિસ્‍તાનની આધ્‍યાત્‍મિક દુનિયામાં કોઈ વાસ્‍તવિકતા નથી.

(4:35 PM IST)