<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબુર રહેમાન સહિતના તમામ સ્ટેચ્યુને તોડી પાડવા માંગે છે કટ્ટરવાદીઓ: કહ્યું કે નવી ચૂંટણીઓ દ્વારા લાવીશું ઇસ્લામિક શરિયા શાસન: સંગીત અને આર્ટ પસંદ નથી

હિન્દુઓને અપીલ કરી કે જે રીતે અમે બાંગ્લાદેશમાં મંદિરોની રક્ષા કરીએ છીએ તેવી જ રીતે તમે ભારતમાં મુસ્લિમો અને તેમના ધર્મની રક્ષા કરો: ધાર્મિક બાબતોના વડા રબ્બાનીએ કહ્યું કે મંદિરોની મૂર્તિઓ નહીં તોડવામાં આવે

હિફાઝત-એ-ઈસ્લામ' બાંગ્લાદેશમાં કટ્ટરપંથી મુસ્લિમોનું સૌથી મોટું સંગઠન બની ગયું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ હિંસા અને મંદિરો પર હુમલામાં પણ આ સંગઠનનું નામ: સંગઠને વર્ષ ૨૦૨૧માં નરેન્દ્રભાઈની બાંગ્લાદેશ મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો

બાંગ્લાદેશ હિંસા: બાંગ્લાદેશમાં થયેલા હંગામા પાછળ માત્ર વિદ્યાર્થીઓનું આંદોલન જ નથી.  આની પાછળ ઘણા સંગઠનો છે, જે બાંગ્લાદેશને કટ્ટરવાદી ઈસ્લામિક દેશ બનાવવા માંગે છે.

બાંગ્લાદેશની સંસ્કૃતિમાં કળા અને સંગીતનું ગમે તેટલું મહત્ત્વનું હોય પણ કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનોને તે પસંદ નથી.  તેઓ દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે, તેઓ માને છે કે ઇસ્લામિક શાસનના આગમન પછી જ લોકોને ન્યાય મળી શકશે.  

હાલમાં 'હિફાઝત-એ-ઈસ્લામ' બાંગ્લાદેશમાં કટ્ટરપંથી મુસ્લિમોનું સૌથી મોટું સંગઠન બની ગયું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ હિંસા અને મંદિરો પર હુમલામાં પણ આ સંગઠનનું નામ સામે આવ્યું છે. આ સંગઠને વર્ષ ૨૦૨૧માં પીએમ નરેન્દ્રભાઈ મોદીની બાંગ્લાદેશ મુલાકાતનો પણ વિરોધ કર્યો છે.

આ સંગઠન શેખ હસીનાની બિનસાંપ્રદાયિક નીતિઓનો સખત વિરોધ કરી રહ્યું છે, અને તેઓ બાંગ્લાદેશમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. સંગઠન સાથે સંકળાયેલા અબુલ ફૈયાઝ મોહમ્મદ ખાલિદ હુસૈન બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોના સલાહકાર છે. 

ભારતના હિન્દી રાષ્ટ્રીય દૈનિક ભાસ્કરે 'હિફાઝત-એ-ઈસ્લામ'ના ઉપાધ્યક્ષ મુહિઉદ્દીન રબ્બાની સાથે વાત કરી છે.  રબ્બાનીએ ભારતના દેવબંદમાંથી અભ્યાસ કર્યો છે, આ સંગઠન અહમદિયા મુસ્લિમોને પણ સારું માને છે.  

રબ્બાનીએ કહ્યું કે તેમની સંસ્થા ઇસ્લામના રક્ષણ માટે અને ધર્મના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આ સંગઠન ઈચ્છે છે કે બાંગ્લાદેશમાં ઈસ્લામિક શાસન સ્થપાય અને લોકોને ન્યાય મળવો જોઈએ.  

રબ્બાનીએ કહ્યું કે દેશમાં સ્ટેચ્યુ ન બનવા જોઈએ, જે પણ સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે તેને નવી સરકારે તોડી પાડવા જોઈએ.  

જો કે  રબ્બાનીએ કેમેરા સામે કહ્યું કે મંદિરોની મૂર્તિઓ તોડવી જોઈએ નહીં.  

રબ્બાનીએ એમ પણ કહ્યું કે દેશભરમાં બનેલી શેખ મુજીબુર રહેમાનના તમામ સ્ટેચ્યુ સહિત દેશમાં રહેલ તમામ સ્ટેચ્યુ - પ્રતિમાઓને તોડી નાખવામાં આવે. 

કટ્ટરવાદી સંગઠને કહ્યું કે અમને સંગીત અને કલા બિલકુલ પસંદ નથી, એટલે નિઝામી શાસનમાં આ બાબત નહીં ચાલે.  મહિલાઓએ હિજાબની અંદર રહેવું જોઈએ.  

ભારતના હિંદુઓને અપીલ કરતા રબ્બાનીએ કહ્યું કે જે રીતે અમે બાંગ્લાદેશમાં મંદિરોની રક્ષા કરીએ છીએ તેવી જ રીતે તમે ભારતમાં મુસ્લિમો અને તેમના ધર્મની રક્ષા કરો. 

દેશની વચગાળાની સરકારને લઈને સંગઠને કહ્યું કે તે હજુ તો નવી નવી રચાઈ છે, જોઈએ તે શું કરે છે. અમે ચૂંટણી દ્વારા નવી સરકાર લાવીશું અને તે દેશ પર શાસન કરશે.

(11:00 AM IST)