<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ભાજપ દેશમાં ૧૦ કરોડ નવા સભ્‍યો બનાવશેઃ PM મોદી ભરશે પહેલું ફોર્મ!

ભાજપ સદસ્‍યતા અભિયાન

નવી દિલ્‍હી,તા.૧૯:  ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને ૧૦ કરોડ સભ્‍યો સુધી વિસ્‍તારવાની તૈયારી કરી લીધી છે. પાર્ટીના સંગઠન ઉત્‍સવના ભાગરૂપે રાષ્ટ્રીય સભ્‍યપદ અભિયાન ૧ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે અને ૩૧ ઓક્‍ટોબર સુધી ચાલશે. અહીં ભાજપના મુખ્‍યાલયમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિર્દેશન હેઠળ રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકમાં સંગઠનને મજબૂત કરવા માટે સભ્‍યપદ અભિયાનના ડ્રાફટ પર ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદી મિસ્‍ડ કોલ દ્વારા સભ્‍યપદ અભિયાન શરૂ કરી શકે છે. હાલમાં ભાજપ ૧૮ કરોડ સભ્‍યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. હવે ૧૦ કરોડ વધુ સભ્‍યો બનાવવાની તૈયારી ચાલી રહી છે. સભ્‍યપદ અભિયાન બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કો ૧ સપ્‍ટેમ્‍બરથી ૨૫ સપ્‍ટેમ્‍બર અને બીજો તબક્કો ૧ ઓક્‍ટોબરથી ૧૫ ઓક્‍ટોબર દરમિયાન યોજાશે. ૧૬ થી ૩૧ ઓક્‍ટોબર દરમિયાન સક્રિય સભ્‍યો બનાવવાની ઝુંબેશ હાથ ધરાશે. માત્ર સક્રિય સભ્‍યોને જ પક્ષની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે.

ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં સદસ્‍યતા અભિયાનના પ્રભારી બનાવ્‍યા છે, જયારે વિજયા રાહટકરને છત્તીસગઢની જવાબદારી મળી છે. ઋતુરાજ સિંહાને યુપી અને ગુજરાતમાં સદસ્‍યતા અભિયાનના પ્રભારી બનાવવામાં આવ્‍યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડાપ્રધાન  મોદી પ્રથમ સભ્‍ય તરીકે ફોર્મ ભરી શકે છે.

(10:01 AM IST)