News of Monday, 19th August 2024
મને જેલમાં પૂરી દો, પણ પત્ની પાસે પાછો નહીં જાઉં
પત્નીના કહેવાતા ત્રાસથી બેંગલોરથી ગાયબ થયેલા સોફટવેર એન્જિનિયરે પોલીસને કહ્યું

બેંગ્લોર,તા.૧૯: પત્નીના કહેવાતા ત્રાસથી બેન્ગલોરથી ઘર છોડીને ૪ ઓગસ્ટે ગુમ થયેલો સોફટવેર એન્જિનિયર વિપિન ગુપ્તા ગુરુવારે નોએડાના એક મોલમાંથી મળી આવ્યો હતો અને પોલીસ શુક્રવારે તેને લઈને બેન્ગલોર પહોંચી ગઈ હતી. તેની પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે કદાચ તેનું અપહરણ થયું હશે. આ એન્જિનિયરે તેનો ફોન બંધ કરી દીધો હતો અને નવું સિમ કાર્ડ ખરીદીને તેના ફોનમાં એક્ટિવેટ કર્યું એને લીધે પોલીસને તેનું લોકેશન મળ્યું હતું અને પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે ઘરે જવાની ના પાડી દીધી હતી. જોકે પોલીસે તેને જણાવ્યું હતું કે તેની સામે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાથી કેસ ક્લોઝ કરવા બેન્ગલોર જવું જરૂરી છે. ઘરે પાછા નહીં જવા માટે તેણે પોતાના પર પત્ની દ્વારા થતી યાતનાની માહિતી પોલીસને આપી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તમે મને જેલમાં પૂરી દો; હું ત્યાં રહીશ, પણ મારી પત્ની પાસે પાછો નહીં જાઉં.
પત્ની સાથેના ખાટા સંબંધોની જાણકારી આપતાં તેણે કહ્યું કે મારી પત્ની ડિવોર્સી છે. હું તેનો બીજો પતિ છું. તેની ૧૨ વર્ષની દીકરી છે. હું બેચલર હતો અને અમે ત્રણ વર્ષ પહેલાં મળ્યાં હતાં. મારી સાથે લગ્ન કર્યા બાદ તેને બીજી એક દીકરી થઈ છે જે આઠ મહિનાની છે. અમે બધાં સાથે રહીએ છીએ. લગ્ન બાદ તેણે મારી આઝાદી છીનવી લીધી છે. મારી પ્લેટમાંથી ભાતનો દાણો કે રોટલી નીચે પડે તો પણ તે મારા પર ગુસ્સો કરે છે. મારે તેના કહેવા મુજબનાં જ કપડાં પહેરવાં પડે છે. હું એકલો ચા પીવા પણ જઈ શકતો નથી. હું ગુમ થયો એ પછી તેણે મારા વિડિયો અને ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દીધા હતા એથી મારો દેખાવ બદલવા માટે મેં માથાના વાળ પણ કપાવી નાખ્યા હતા.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
