<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

દેશના ૧૨ ટકા મસાલા ગુણવત્તાના ધોરણે ફેઈલ

FSSAIની તપાસમાં ખુલાસા બાદ જંતુનાશકોનું ઉચ્‍ચ સ્‍તરના કારણે પ્રતિબંધ મૂકાયો : મસાલાના ૪૦૫૪ નમુનામાથી ૪૭૪ નમૂના હાનિકારક : કંપનીઓ પર લેવાયા કડક પગલા

નવી દિલ્‍હી તા. ૧૯ : હોંગકોંગે MDH અને એવરેસ્‍ટ બ્રાન્‍ડના કેટલાક મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્‍યા બાદ ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ ભેળસેળયુક્‍ત મસાલાઓની તપાસ કરી હતી. પ્રતિબંધનું કારણ જંતુનાશકોનું ઉચ્‍ચ સ્‍તર હતું.

ભારતમાં પરીક્ષણ કરાયેલા લગભગ ૧૨ ટકા મસાલાના નમૂના ગુણવત્તા અને સલામતીના ધોરણોને પૂર્ણ કરતા નથી. આ માહિતી ત્‍યારે સામે આવી છે જયારે ઘણા દેશોએ એમડીએચ અને એવરેસ્‍ટ જેવી લોકપ્રિય બ્રાન્‍ડના મસાલાના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂક્‍યો છે.

હોંગકોંગે આ બે બ્રાન્‍ડના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. ત્‍યારબાદ, બ્રિટને પણ ભારતમાંથી આયાત થતા તમામ મસાલા પર નિયંત્રણો કડક બનાવ્‍યા. ન્‍યુઝીલેન્‍ડ, અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયાએ પણ આ બ્રાન્‍ડ્‍સની તપાસ શરૂ કરી. આ પછી, ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ પણ આ બ્રાન્‍ડ્‍સના મસાલાઓની તપાસ કરી.

MDH અને એવરેસ્‍ટે જણાવ્‍યું છે કે તેમના મસાલા વપરાશ માટે સલામત છે. ભારતમાં આ મસાલાઓની ખૂબ માંગ છે અને તે યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ વેચાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો નિકાસકાર, ઉત્‍પાદક અને મસાલાનો ગ્રાહક છે.

હકીકતમાં, રોઇટર્સે ભારતના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મેથી જુલાઈ સુધીના મસાલા પરીક્ષણ ડેટા મેળવ્‍યા હતા. આ મુજબ, આ મહિનાઓ વચ્‍ચે ૪,૦૫૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી ૪૭૪ નમૂના ગુણવત્તા અને સલામતીના માપદંડોને પૂર્ણ કરતા ન હતા.

ફૂડ એજન્‍સીએ કહ્યું કે તેણે એવી કંપનીઓ સામે ભારતીય કાયદા મુજબ કાર્યવાહી કરી છે જેમના નમૂના ધોરણોને પૂર્ણ કરતા નથી. ઝિઓન માર્કેટ રિસર્ચ અનુસાર, ૨૦૨૨માં ભારતનું સ્‍થાનિક મસાલા બજાર ૧૦.૪૪ બિલિયન ડોલરનું હતું. ૨૦૨૩ માં મસાલા અને મસાલા ઉત્‍પાદનોની નિકાસ ૪.૪૬ બિલિયન ડોલરની હતી. એક RTIમાં, રોયટર્સે ટેસ્‍ટમાં નિષ્‍ફળ ગયેલા તમામ સેમ્‍પલનો રિપોર્ટ માંગ્‍યો હતો. પરંતુ એજન્‍સીએ કહ્યું કે આવો કોઈ રિપોર્ટ ઉપલબ્‍ધ નથી.

(10:42 AM IST)