News of Monday, 19th August 2024
ન્યુયોર્કમાં ઇન્ડિયા-ડે પરેડમાં રામ મંદિરના ટેબ્લો સામે મુસ્લિમ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણી અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ઇન્ડિયા-ડે પરેડ કાઢીને કરવામાં આવે છે

ન્યુયોર્ક, તા.૧૯: ભારતના સ્વાતંયદિનની ઉજવણી અમેરિકાના ન્યુયૉર્ક શહેરમાં ઇન્ડિયા-ડે પરેડ કાઢીને કરવામાં આવે છે અને આ વર્ષે આ પરેડમાં અયોધ્યાના રામ મંદિરનો ટૅબ્લો બનાવવામાં આવતાં મુસ્લિમ સંગઠનોએ એની સામે વિરોધ નોંધાવ્યો છે. ઘણાં સંગઠનોએ એને મુસ્લિમવિરોધી ગણાવ્યો છે.
કાઉન્સિલ ઑફ અમેરિકન ઇસ્લામિક રિલેશન્સ, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને હિન્દુઝ ફૉર હ્યુમન રાઇટ્સે આ ટૅબ્લોના વિરોધમાં ન્યુ યૉર્ક સિટી કાઉન્સિલના મેયર એરિક ઍડમ્સને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ ટૅબ્લો મસ્જિદને તોડી પાડવાની ઘટનાનું મહિમામંડન કરે છે. ભારત સેકયુલર દેશ છે, પણ આમાં હિન્દુ વિચારસરણીને દર્શાવવામાં આવી છે.
જોકે આયોજકો હિન્દુ અમેરિકન અસોસિએશને આ ટૅબ્લો હટાવવાની માગણી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે આ ટૅબ્લો કરોડો હિન્દુઓ માટે મહત્ત્વપૂર્ણ પવિત્ર સ્થળ દર્શાવે છે અને અમે હિંસા અને નફરતના આરોપોને ફગાવીએ છીએ. આ મંદિર કોઈ ધાર્મિક સ્થળને હટાવીને બનાવવામાં આવ્યું નથી, પણ એ પહેલાં હિન્દુ મંદિર જ હતું. આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રયાસ છે. પરેડમાં ભારતની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતી ઝાંખીઓ રજૂ થવાની છે.
આ મુદ્દે ચાર દિવસ પહેલાં મેયર એરિક ઍડમ્સે કહ્યું હતું કે નફરતને અમેરિકામાં સ્થાન નથી. કોઈ ટૅબ્લો નફરત ફેલાવતો હોય તો એ ન હોવો જોઈએ, પણ અમેરિકાના બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મોજૂદ છે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
