News of Monday, 19th August 2024
MUDA કેસમાં સિદ્ધારમૈયાને હાઈકોર્ટથી મોટી રાહત :રાજ્યપાલની મંજૂરી સામેની અરજી પર સુનાવણી સુધી કાર્યવાહી કરવા પર રોક
રાજ્યપાલની મંજૂરી પક્ષપાતી અને રાજકીય કારણોસર કર્ણાટકમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ

બેંગ્લુરુ :રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને કર્ણાટક હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સિદ્ધારમૈયાને રાજ્યપાલની મંજૂરી સામેની અરજી પર સુનાવણી પેન્ડિંગ 'મુડા કૌભાંડ'માં આગળ વધવા પર રોક લગાવી છે. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સીએમનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યું હતું. તેમની દલીલ એવી હતી કે રાજ્યપાલની મંજૂરી પક્ષપાતી હતી અને રાજકીય કારણોસર કર્ણાટકમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 29 ઓગસ્ટે થશે.
સિદ્ધારમૈયાએ મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડના સંબંધમાં તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપવાના રાજ્યપાલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી MUDA દ્વારા જમીન ફાળવણીમાં કથિત ગેરરીતિઓના આક્ષેપો બાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિદ્ધારમૈયાને વિપક્ષી પાર્ટીઓ અને સામાજિક કાર્યકરોના વધતા દબાણનો સામનો કરવો પડ્યો હતો. જો કે, મુખ્યમંત્રીએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે.
ગવર્નર થાવર ચંદ ગેહલોતે 17 ઓગસ્ટના રોજ MUDA દ્વારા જમીન ફાળવણીમાં કથિત અનિયમિતતા અંગે સીએમ સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટીજે અબ્રાહમ, મૈસૂરના સ્નેહમાઈ ક્રિષ્ના અને બેંગલુરુના પ્રદીપ કુમાર એસપી સહિત અનેક સામાજિક કાર્યકરોએ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા માટે રાજ્યપાલ પાસે પરવાનગી માંગી. આરોપો મૈસુરમાં લગભગ 14 પ્લોટની ફાળવણી પર કેન્દ્રિત છે. પ્લોટ અંગે તેઓ દાવો કરે છે કે તેઓ મુખ્યમંત્રીના પત્નીને ખોટી રીતે આપવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, વિવાદિત જમીન કથિત રીતે દલિત સમુદાયના સભ્યો માટે હતી. પરંતુ, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેને છેતરપિંડીથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેના કારણે હજારો કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. આ કૌભાંડમાં મુખ્યમંત્રીના સાળા મલિકાર્જુન સ્વામી દેવરાજ પણ કથિત રીતે સામેલ છે. આ મામલો કર્ણાટકમાં મહત્વપૂર્ણ રાજકીય ઘર્ષણનું કારણ બની ગયો છે. શાસક કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બંને લાંબી લડાઈ માટે તૈયાર હોય તેવું લાગે છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
