News of Monday, 19th August 2024
રક્ષાબંધન પર મોટી બહેને નાના ભાઈને કિડની આપીને જીવ બચાવ્યો
વીરાના જીવનમાં કોઈ સંકટ ન આવવું જોઈએઃબહેન પાસેથી કિડની લેનારા ભાઈ લલિત કુમારે જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૨૩માં તેને તકલીફ થઈ હતી

ફરીદાબાદ, તા.૧૯
આમ તો રક્ષાબંધન પર રાખડી બાંધ્યા બાદ ભાઈ દ્વારા બહેનને ગિફ્ટ આપવામાં આવે છે, પણ ફરીદાબાદમાં આવી જ એક બહેને પોતાના ભાઈને સૌથી કિંમતી ગિફ્ટ આપી છે. આ ઘટના કળિયુગમાં ભાઈ-બહેનના અપાર પ્રેમનું ઉદાહરણ પણ છે. જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું તે આ બહેનના વખાણ કર્યા વિના રહી શકતા નથી. અત્યાર સુધીમાં તમે ભાઈ-બહેનના અઢળક કિસ્સા જોયા-સાંભળ્યા હશે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કેટલીય માન્યતા રક્ષાબંધનને લઈને કથાઓમાં સાંભળી હશે. આ ઉપરાંત સિકંદરની પત્ની દ્વારા પોરસને મોકલવામાં આવેલી રાખડીની ઘટના પણ લોકપ્રિય છે. તો વળી ફરીદાબાદની એક બહેને રક્ષાબંધનના ઠીક બે દિવસ પહેલા કિડની આપીને ભાઈનો જીવ બચાવ્યો છે.
ફરીદાબાદની રહેવાસી મહિલા રુપાએ પોતાના ભાઈને ગિફ્ટ તરીકે કિડની આપી દીધી. બહેન પાસેથી કિડની લેનારા ભાઈ લલિત કુમારે જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૨૩માં તેને તકલીફ થઈ. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને ક્રિએટિનિન ૧૨થી વધારે હતું. ત્યાર બાદ તેનું ડાયલિસિસ શરુ થયું. આગળ જણાવ્યું કે, તેમની બહેન પણ ફરીદાબાદમાં જ રહે છએ. જ્યારે તેમને જાણવા મળ્યું તો તેઓ ખુદ આગળ આવ્યા અને પોતાની એક કિડની આપવા તૈયાર થઈ ગયા. લલિત કુમારે ના પાડી પણ રુપા માન્યા નહીં.
રુપાએ જણાવ્યું કે, તે પોતાના નાના ભાઈને કિડની આપીને ખૂબ જ ખુશ છે. તેઓ નથી ઈચ્છતા કે તેમના ભાઈના જીવનમાં કોઈ સંકટ આવે. રુપાએ જણાવ્યું કે, તેમના પતિનું મોત થઈ ચુક્યું છે. તેમને બે બાળકો પણ છે. પણ કોઈએ પણ તેમને આ કામ કરતા રોક્યા નથી. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના અવસર પર ભાઈનો જીવ બચાવીને તેઓ ખૂબ જ ખુશ છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
