<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ચીનની સર્વોચ્‍ચ અદાલતે મની લોન્‍ડરિંગ માટે ક્રિપ્‍ટોકરન્‍સીના ઉપયોગને ગુનો ગણાવ્‍યો

બિટકોઇને ફરી ૬૦,૦૦૦ ડોલરની સપાટી વટાવી દીધી

નવી દિલ્‍હી, તા.૨૧: મની લૉન્‍ડરિંગ માટે ક્રિપ્‍ટોકરન્‍સીનો ઉપયોગ થતો હોવાનું ચીનની સર્વોચ્‍ચ અદાલતે અને સર્વોચ્‍ચ તપાસનીશ સંસ્‍થાએ સંયુક્‍તપણે યોજેલી પત્રકાર-પરિષદમાં જણાવ્‍યું હતું. નોંધનીય છે કે ચીનમાં ઍન્‍ટિ મની લૉન્‍ડરિંગ કાયદાઓનો ૨૦ ઑગસ્‍ટથી અમલ થયો છે. પત્રકાર-પરિષદમાં કહેવામાં આવ્‍યું હતું કે ગેરકાનૂની રીતે પ્રાપ્ત થયેલાં નાણાંના લૉન્‍ડરિંગ અને ટ્રાન્‍સફર માટે ક્રિપ્‍ટોકરન્‍સીનો ઉપયોગ કરવામાં આવશે તો એને ફોજદારી ગુનો ગણવામાં આવશે અને ગુનેગારોને દંડિત કરવામાં આવશે. આ ગુના માટેની ઓછામાં ઓછી સજા ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ ચીની યુઆન હશે. ગંભીર ગુનાઓમાં પાંચથી દસ વર્ષની કેદ પણ થઈ શકે છે. નોંધનીય છે કે ચીનના વડાપ્રધાન લી ક્‍વિઆંગે ક્રિપ્‍ટોકરન્‍સીના વ્‍યવહારને ઍન્‍ટિ મની લૉન્‍ડરિંગના કાયદાઓમાં ફેરફાર કરતી વખતે ધ્‍યાનમાં લેવાનું આ વર્ષના પ્રારંભમાં જાહેર કર્યું હતું.

અમેરિકામાં ઍરબીએનબીના હોસ્‍ટને વિચિત્ર અનુભવ થયો છે. તેમણે પોતાનું ઘર ઍરબીએનબી પર રાબેતા મુજબ ભાડે આપ્‍યું હતું, પરંતુ ભાડૂતો ઘર ખાલી કરી ગયા બાદ તેમને ૧૫૦૦ ડૉલરની વીજળીનું બિલ આવતાં મોટો આંચકો લાગ્‍યો હતો. થયું એવું કે નૉર્થ કૅરોલિનાના આ હોસ્‍ટના ઘરનો ઉપયોગ ભાડૂતે ત્રણ સપ્તાહ માટે ક્રિપ્‍ટોકરન્‍સી માઇનિંગ કરવા કર્યો હતો. આ માઇનિંગમાં ઘણા મોટા પ્રમાણમાં વીજળી વપરાતી હોય છે.

દરમ્‍યાન વૈશ્વિક ક્રિપ્‍ટોકરન્‍સી માર્કેટમાં મંગળવારે તેજીનું વાતાવરણ હતું. સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્‍ટો - બિટકૉઇનનો ભાવ ૪.૬૦ ટકા વધીને ૬૦,૯૨૦ ડૉલર પહોંચી ગયો હતો. ઇથેરિયમમાં ૩ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૨૬૫૦ ડૉલર ચાલી રહ્યો હતો. અન્‍ય વધેલા કૉઇનમાં સોલાના (૨.૫૨ ટકા), રિપલ (૪.૨૨ ટકા), ડોઝકૉઇન (૫.૬૪ ટકા) અને ટ્રોન (૧૧.૪૭ ટકા), અવાલાંશ (૮.૦૯ ટકા), શિબા ઇનુ (૫.૨૨ ટકા), પોલકાડૉટ (૨.૪૨ ટકા) અને કાર્ડાનો (૪.૬૯ ટકા) સામેલ હતા.

(10:20 AM IST)