News of Wednesday, 21st August 2024
ચંપાઈ સોરેનની એસ્કોર્ટ કારને અજાણ્યા ટ્રકે ટક્કર મારી : ડ્રાઈવરનું મોત : રસ્તા પર હથિયારો વેરવિખેર
પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને મોડી રાત્રે જીલિંગગોરા ખાતેના તેમના નિવાસસ્થાને છોડીને પોલીસ એસ્કોર્ટ વાહન પરત ફરી રહ્યું હતું ત્યારે મુડીયા પાસે અકસ્માત સર્જાયો

નવી દિલ્હી :પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની એસ્કોર્ટ કારને ઝારખંડના સેરાઈકેલા ટાટા મુખ્ય માર્ગ પર મુડિયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે એસ્કોર્ટ કારના ડ્રાઈવર કોન્સ્ટેબલ વિનય કુમાર વાનસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને તેમના આવાસ જીલિંગગોરાથી એસ્કોર્ટ કરીને પોલીસ એસ્કોર્ટ વાહન પરત ફરી રહ્યું હતું. દરમિયાન મુડીયા પાસે અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ટ્રકે એસ્કોર્ટ વાહનને ટક્કર મારી હતી. ઘટના બાદ તમામ પોલીસકર્મીઓ રોડ પર પડી ગયા હતા અને તેમના હથિયારો પણ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.
અકસ્માત બાદ તમામ ઘાયલ જવાનોને એમ્બ્યુલન્સ દ્વારા સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારી સારવાર માટે એમજીએમમાં રીફર કરાયા હતા. મૃતક પોલીસ ડ્રાઈવર પશ્ચિમ સિંહભૂમના બોયાનો રહેવાસી હતો. ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પરિવારજનો આવ્યા નથી.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
