<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

અનિલ અંબાણીના સારા દિવસો આવ્યા! શેર એ સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટ લગાવી : ભાવ 52 સપ્તાહની ટોચે : શેરની કિંમત ત્રણ દિવસમાં 15 ટકા વધી

ગૌતમ અદાણી સાથે નામ જોડાયું ત્યારથી આ શેર એ પકડી રોકેટગતિ : ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના ટોચના અમીર લોકોમાં ગણાતા

નવી દિલ્હી : લાંબા સમય બાદ દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે સારા સમાચાર આવ્યા છે. તેમની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા ત્રણ દિવસથી અપર સર્કિટમાં છે. બુધવારે, કંપનીનો શેર 5% વધીને રૂ. 36.17 પર પહોંચ્યો હતો, જે 52 સપ્તાહમાં તેનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા ત્રણ દિવસમાં તેના શેરમાં 15%નો વધારો થયો છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરે નાગપુરમાં થર્મલ પાવર પ્રોજેક્ટ ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે. આ પ્લાન્ટ વિદર્ભ પાવર ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ છે જે રિલાયન્સ પાવરની પેટાકંપની છે. ત્યારથી રિલાયન્સ પાવરના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ વધારા સાથે રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ 14,529.38 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રિલાયન્સ પાવરનો આઈપીઓ જાન્યુઆરી 2008માં આવ્યો હતો. તેનું કદ 11,563 કરોડ રૂપિયા હતું. તેની ઈશ્યુ કિંમત 405-450 રૂપિયા હતી. રોકાણકારોએ તેને તરત જ સ્વીકારી લીધું હતું. તેને 70 ગણી બિડ મળી હતી. લિસ્ટિંગના દિવસે તે 21%ના પ્રીમિયમ સાથે રૂ. 547.80 પર પહોંચી ગયો હતો. પરંતુ આ પછી તેણે રોકાણકારોને નિરાશ કર્યા હતા. 27 માર્ચ, 2020ના રોજ તેની કિંમત ઘટીને 1.13 રૂપિયા થઈ ગઈ હતી. જો કે છેલ્લા ચાર વર્ષમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 115 ટકાનો વધારો થયો છે.

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના ટોચના અમીર લોકોમાં ગણાતા હતા. 2007માં ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 અબજ ડોલર હતી. તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે. મુકેશ અંબાણી 113 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ $16.4 બિલિયન વધી છે.

 

(12:40 PM IST)