News of Wednesday, 21st August 2024
નવા અધ્યક્ષની રેસમાં જય શાહ બની શકે છે ICC ઈતિહાસના સૌથી યુવા અધ્યક્ષ
જય શાહને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનું સમર્થન મળ્યું: ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું-તેઓ ત્રીજા કાર્યકાળ માટે નામાંકન નહિ ભરે. નવેમ્બરમાં પોતાના કાર્યકાળની સમાપ્તિ સાથે તેઓ આ પદ છોડી દેશે

મુંબઈ :આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના હાલના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે નવા અધ્યક્ષ કોણ બનશે તેને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. જેમાં BCCIના સચિવ જય શાહનું નામ સામે આવી રહ્યું છે.
NDTVના અહેવાલ અનુસાર જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના નવા અધ્યક્ષ બની શકે છે. તેમને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનું સમર્થન મળ્યું છે. જો આવું બનશે તો જય શાહ ICCના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના અધ્યક્ષ બનશે. ICC એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે નામાંકન નહિ ભરે. નવેમ્બરમાં પોતાના કાર્યકાળની સમાપ્તિ સાથે તેઓ આ પદ છોડી દેશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. જો એક થી વધારે ઉમેદવારો દાવેદારી નોંધાવશે તો ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 16 મત હોય છે. જેમાં બહુમતી માટે 9 મત જરુરી છે. જય શાહને 16 વોટિંગ સભ્યો સાથે સારા સંબંધો છે. એટલે તેમની અધ્યક્ષ બનવાની સંભાવના વધારે છે. ICC અધ્યક્ષ બે બે વર્ષની ત્રણ મુદ્દત માટે પદ પર રહી શકે છે.
કુલિંગ ઓફ પીરિયડ પ્રમાણે જય શાહને ઓક્ટોબર 2025થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક - કૂલિંગ ઓફ પીરિયડ લેવો પડશે. જો કે BCCI મુજબ એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પહેલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે. BCCI પદ પર જય શાહને પોતાના કાર્યકાળ તરીકે એક વર્ષ બાકી છે જો તેઓ કુલિંગ ઓફ પીરિયડ પહેલા ICCમાં જવાનું નક્કી કરે છે તો તેમની પાસે BCCIમાં ચાર વર્ષ બાકી રહેશે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
