<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

મહારાષ્ટ્રના બદલાપુરમાં યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા ૩૦૦ પ્રજાજનો સામે એફઆઈઆર : ઢગલાબંધ ધરપકડો

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે કિંડરગાર્ટનની બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો થયો છે. રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો છે. સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૩૦૦ લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે ૪૦થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મધ્ય રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટિલે કહ્યું કે, હવે સ્થિતિ સામાન્ય બની છે, રેલવે વ્યવહાર ફરી શરૂ થઈ ચૂક્યો છે. હાલ, કોઈ કલમ લાગુ નથી.  પોલીસના જણાવ્યા અનુસાર, ૧૩ ઓગસ્ટના સ્કૂલના ટોયલેટમાં બે નાની માસૂમ બાળાઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ૧૬ ઓગસ્ટે એક બાળકીએ તેના માતા-પિતાને આ ઘટના અંગે જણાવ્યું ત્યારે, આ ઘટનાની જાણ થઈ હતી. આરોપી અક્ષય શિંદેની ૧૭ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. યૌન શોષણ મામલે આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પક્ષના કાર્યકરો સાથે બદલાપુરની ઘટનાનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર સરકાર સામે દેખાવો કર્યા હતા.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંગળવારે આ ઘટના જાહેર થતાં હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકત્ર થઈ વિરોધ -દર્શન કરી રહ્યા હતા. જેના કારણે ૧૨ એકસપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. જ્યારે ૩૦ લોકલ ટ્રેનો આંશિક રૂપે રદ કરવામાં આવી હતી. બદલાપુરમાં પ્રદર્શન હિંસક બન્યું હતું, રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. બદલાપુર રેલવે સ્ટેશન નજીક એક બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે નવ કલાક બાદ લાઠીચાર્જ કરી રેલવે સ્ટેશન ખાલી કરાવતાં વિરોધ પ્રદર્શન શમ્યું હતું.

(1:49 PM IST)