News of Wednesday, 21st August 2024
અમારી સરકાર ઝાકીર નાઇક કેસમાં રજૂ કરવામાં આવનાર પુરાવાઓનું સ્વાગત કરશેઃ ઇબ્રાહીમ
મલેશીયાના પીએમએ આતંકવાદ સામે લડવા ભારત સામે મળી કામ કરવા જણાવ્યું ઝાકીર ઉપર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરીંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપઃ ૨૦૧૭માં મલેશીયન ભાગી ગયેલ

નવી દિલ્હી,તા. ૨૧: મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ભારતની મુલાકાતે છે. તેઓ મંગળવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ જયારે મલેશિયાના વડાપ્રધાનને એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આનો જવાબ આપ્યો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જયારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને મલેશિયામાં રહેતા ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે આ મુદ્દાથી બંને દેશોના સંબંધો પર અસર થવી જોઈએ નહીં.
પીએમ ઈબ્રાહિમે કહ્યું કે આ મામલો ભારતે ઉઠાવ્યો નથી. વડાપ્રધાન મોદીએ અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પણ હું અહીં એક વ્યક્તિની વાત નથી કરી રહ્યો. હું ઉગ્રવાદની વાત કરું છું. અમારી સરકાર ઝાકિર નાઈકના કેસમાં રજૂ કરવામાં આવનાર તમામ પુરાવાઓનું સ્વાગત કરશે. અમે આતંકવાદ સામે લડવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, ઝાકિર નાઈક ૨૦૧૭માં ભારતથી મલેશિયા ભાગી ગયો હતો. તે સમયે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદની સરકારે તેમને સરકારી રક્ષણ આપ્યું હતું.
ઝાકિર નાઈક પર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મે ૨૦૧૯માં, EDએ ઝાકિર નાઈક સામે ટેરર ફંડિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે એજન્સીએ અત્યાર સુધીમાં ૧૯૩ કરોડ રૂપિયાની સંપત્તિની ઓળખ કરી છે, જેમાંથી ૫૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
