News of Wednesday, 21st August 2024
ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા કપૂરનો દબદબો : ફોલોઅર્સની બાબતમાં મોદીને પાછળ છોડી દીધા
હવે આ રેસમાં તેના કરતાં માત્ર બે જ લોકો આગળ છે : પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી અને બીજી પ્રિયંકા ચોપરા અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ઈન્સ્ટાગ્રામ પર ૯૧.૪ મિલિયન ફોલોઅર્સ છેઃ જ્યારે PM મોદીને ઈન્સ્ટાગ્રામ પર ૯૧.૩ મિલિયન લોકો ફોલો કરે છે

મુંબઇ, તા.૨૧: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મસ્ત્રી ૨ની સફળતાની ઉજવણી કરી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની જોરદાર કમાણી વચ્ચે શ્રદ્ધા કપૂરની સફળતા પણ આકાશને આંબી રહી છે. તેની અસર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોવા મળી રહી છે.સ્ત્રી ૨ની સફળતા વચ્ચે તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. આ મામલે અભિનેત્રીએ વડાપ્રધાન મોદીને પણ પાછળ છોડી દીધા છે.
PM નરેન્દ્રભાઇ મોદીને પાછળ છોડીને શ્રધ્ધા કપૂર ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની બાબતમાં ત્રીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય બની ગઈ છે. હવે આ રેસમાં તેના કરતાં માત્ર બે જ લોકો આગળ છે. પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી અને બીજી પ્રિયંકા ચોપરા. શ્રદ્ધાએ પીએમ મોદીને પાછળ છોડી દીધા છે. અભિનેત્રી આ રેસમાં મામૂલી માર્જિનથી આગળ વધી છે. જોકે, X (અગાઉ ટ્વિટર) ફોલોઅર્સની બાબતમાં પીએમ મોદી ઘણા આગળ છે.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ઈન્સ્ટાગ્રામ પર ૯૧.૪ મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે PM નરેન્દ્ર મોદીને ઈન્સ્ટાગ્રામ પર ૯૧.૩ મિલિયન લોકો ફોલો કરે છે. આ મામલામાં ક્રિકેટર વિરાટ કોહલી ૨૭૧ મિલિયન ફોલોઅર્સ સાથે નંબર વન પર છે. તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનાર ભારતીય છે. તેના પછી અભિનેત્રી પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે, જેના ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ છે.
શ્રદ્ધા કપૂર પછી આલિયા ભટ્ટ ચોથા નંબર પર છે. તે પછી કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને નેહા કક્કર આવે છે. ફિલ્મસ્ત્રી ૨એ શ્રદ્ધા કપૂરની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં છે.સ્ત્રી ૨ પ્રથમ મહિલા આધારિત ફિલ્મ છે, જે તેની રિલીઝના ચોથા દિવસે ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પહેલા દિવસે ૭૦ કરોડથી વધુની કમાણી કરી હતી. ત્યારથી તેની કમાણીમાં તેજી આવી રહી છે. તે ૧૫મી ઓગસ્ટે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. મંગળવારે છઠ્ઠા દિવસે ફિલ્મે ૨૫.૮ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર ૨૫૮.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
