News of Wednesday, 21st August 2024
ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતીઃ આરોપીનો સ્કેચ જાહેરઃ શકમંદોની પૂછતાછ
બનાસકાંઠામાં સોમવારે જૈન સાધ્વીજી સાથે બનેલી ઘટનાના ૪૮ કલાક પછી પણ આરોપી પોલીસ પકડથી દુરઃ જૈનોમાં ઉગ્ર રોષ : સાંસદ ગેનીબેન ઠાકોરે ઘટનાને વખોડી તુરંત આરોપીને પકડવા માંગ કરીઃ પાંચ ટીમો બનાવી આરોપીની શોધખોળ

(જયંતિભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૧: દેશમાં કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના રોષ વચ્ચે બનાસકાંઠાના ભાભરમાં બે વ્યકિતઓએ એક જૈન સાધ્વીજીની છેડતી કરતા સભ્ય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભાભરમાં સોમવારે જૈન સાધ્વીજી લઘુશંકાએ ગયા ત્યારે અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વખોડી કાઢી તુરંત આરોપીને પકડવા માંગ કરી છે.
તે દરમ્યાન સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ જતાં આ શખ્સો ત્યાંથી ભાગી છૂટયા હતા. ત્યારબાદ જૈન સાધ્વીજી દ્વારા સંઘને વાત કરતાં સમાજના આગેવાનો ત્યાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી લેખિતમાં માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી પાસે પીડિતાની ફરિયાદનાં વર્ણન મુજબનો શકમંદ આરોપીનો સ્કેચ તૈયાર છે. આ મામલે એલસીબી, એસઓજી, સાઈબર ટીમ તેમજ પેરોલ ફ્લો સ્કોવ્ડ સહિતની વિવિધ પાંચ ટીમો સતત સ્ટેન્ડ ટુ મોડમાં શંકમંદોની પૂછપરછ અને તપાસ કરી રહી છે. દરેક વિસ્તારના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે.
પોલીસે એક શંકાસ્પદ વ્યકિતનો સ્કેચ જાહેર કર્યો છે, તો બીજી તરફ કેટલાક શકમંદોની પુછપરછ હાથ ધરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નહોતું, સાધ્વીજી સાથે બનેલી ઘટના મામલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ છે.
આ અંગે બનાસકાંઠાના સાંસદ ગેબીને ઠાકોરે જણાવ્યું છે કે, ભાભરમાં જૈન સાધ્વીજી સાથે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરાયો છે. તે ખુબ જ દુઃખદ ઘટના છે. કોઇપણ સમાજ કે કોઇપણ ધર્મ સુરક્ષિત નથી તે આ ઘટના દર્શાવે છે. હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું. ર૪ કલાકની અંદર જે કૃત્ય કરવાવાળા લોકો છે. તેમને પકડીને જેલના હવાલે કરવામાં આવે.
જો ર૪ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય તે સંવેદના સાથે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ મથકે બેસવું પડે તો બેસી આ ગુનેગારોને પકડવા માટે અમારે જે મદદ કરવાની થતી હશે અમે જૈન સમાજની સાથે છીએ.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
