<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

મહારાષ્ટ્રના થાણેમાં ફોર્ચ્યુનર એસયુવી અને સફારી કાર વચ્ચેની ટક્કરનો દિલધડક વીડિયો વાયરલ : પારિવારિક વિવાદમાં પુત્રએ તેના પિતાની કારને ટક્કર મારી : બે વ્યક્તિને ગંભીર ઈજા: જુઓ વિડિઓ

આરોપી પુત્ર ના પિતા પુત્રવધુ અને પુત્ર સાથેના વિવાદ ને ઉકેલવા માટે થાણે આવ્યા હતા. આ દરમિયાન માથાકૂટ થતા અકસ્માત સર્જીને ગુસ્સો વ્યક્ત કર્યો

મુંબઈ તા.૨૧ : મહારાષ્ટ્રના થાણેમાં પુત્રએ સફારી કાર લઈને પિતાની ફોર્ચ્યુનરને સામેથી ટક્કર મારી હતી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

આરોપી પુત્રના પિતા સતીશ શર્મા સંરક્ષણ વિભાગમાં રિટાયર અધિકારી છે. પુત્ર અને પુત્રવધુ સાથેના વિવાદને ઉકેલવા તેઓ મુંબઈથી થાણે આવ્યા હતા. જો કે ત્યારે તેમનો પુત્ર બિંદેશ્વર ઘરે ન હતો. મુંબઈ પરત ફરતી વખતે એક હોટલ પાસે રોકાયા હતા. આ દરમિયાન તેમણે બિંદેશ્વરને પાછળથી ઝડપથી સફારી કારમાં આવતો જોયો. 

પિતાના ડ્રાઈવરે પુત્ર કંઈક વાત કરવા માંગે છે તેવું ધારીને કાર સાઈડમાં પાર્ક કરી. પરંતુ બિંદેશ્વરે પિતાની પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારનો દરવાજો તોડીને ઓવરટેક કરી. આ દરમિયાન એક વ્યક્તિ તેની કાર નીચે કચડાતો જોવા મળ્યો. પુત્રએ આગળથી યુ ટર્ન લઈને એસયુવીને સામેથી જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે પાછળ 10 ફુટ દૂર ઉભેલી બાઈક સાથે અથડાઈ. 

સમગ્ર ઘટનામાં બાઈક પાછળ બેસેલી વ્યક્તિ અને એસયુવીના ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આરોપી પુત્ર હાલ ફરાર છે.

(4:53 PM IST)