News of Thursday, 22nd August 2024
ચાર વર્ષમાં ૧.૨૦ લાખ કરોડની GST ચોરી ઝડપાઈ
૫૯૦૦૦ નકલી કંપનીઓની તપાસ ચાલુ : અત્યાર સુધીમાં ૧૭૦ની ધરપકડ

નવી દિલ્હી, તા.૨૨: છેલ્લા ચાર વર્ષમાં દેશમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૫૯,૦૦૦ નકલી કંપનીઓ પણ મળી આવી છે. તેમની સામે તપાસ ચાલી રહી છે. આ માહિતી આપતાં નાણા મંત્રાલયે જણાવ્યું કે, ઇનપુટ ક્રેડિટ ટેક્સનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરનારા ૧૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નાણા મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંયુક્ત રીતે ટેક્સ ચોરી કરનારાઓને ઓળખવા અને તેમના માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે આ અભિયાન ૧૬ ઓગસ્ટથી ૧૫ ઓક્ટોબર સુધી ચાલશે. તેના ઉદ્દેશ્યમાં શંકાસ્પદ અને નકલી GSTIN ને ઓળખવા, કંપનીઓનું વેરિફિકેશન અને GST ઇકોસિસ્ટમમાંથી નકલી બિલ ચૂકવનારાઓને દૂર કરવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે. જો GSTIN નકલી છે અથવા અસ્તિત્વમાં નથી, તો ટેક્સ સત્તાવાળાઓ નોંધણીને સ્થગિત કરવા અને રદ કરવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) રોકવાની કાર્યવાહી શરૂ કરશે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ બુધવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કાર્યવાહી અને વ્યવસાય કરવાની સરળતા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. GST રિટર્નમાં લાગુ કરાયેલા તાજેતરના ફેરફારો જેમ કે GSTR-1A વ્યવસ્થિત રીતે ચોરી સામે લડવાના પ્રયાસોમાં મદદ કરશે.
ગયા વર્ષે મે મહિનામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશેષ ઓપરેશનમાં, ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની શંકાસ્પદ GST ચોરી સંબંધિત લગભગ ૨૨,૦૦૦ નકલી નોંધણીઓ મળી આવી હતી. દેશમાં ૧.૪ કરોડથી વધુ GST રજિસ્ટ્રેશન થયા છે. જો કે, આમાં કેટલીક છેતરપિંડી કરવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ GST કલેક્શન થયું છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
