<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

એર ઈન્‍ડિયાના વિમાનમાં બોમ્‍બની ધમકી બાદ ખળભળાટ

તિરૂવંનતપુરમ એરપોર્ટ પર ઈમરજન્‍સી જાહેર : ૧૩૫ યાત્રીઓના જીવ તાળવે ચોંટયા

ત્રિવેન્‍દ્રમ તા. ૨૨ : મુંબઈથી આવી રહેલી એર ઈન્‍ડિયાની ફલાઈટમાં બોમ્‍બની ધમકી મળ્‍યા બાદ  તિરુવનંતપુરમ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.

તિરૂવનંતપુરમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્‍યું હતું કે એર ઈન્‍ડિયાની ફલાઈટ સવારે ૮ વાગ્‍યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું કે મુસાફરોને ફલાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્‍યું કે વિમાન તિરૂવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્‍યું ત્‍યારે પાયલટે બોમ્‍બની ધમકીની જાણ કરી. તેમણે કહ્યું કે વિમાનમાં ૧૩૫ મુસાફરો સવાર હતા. સૂત્રોએ જણાવ્‍યું હતું કે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. એરપોર્ટની કામગીરી હાલમાં અવિરત ચાલુ છે. ધમકી ક્‍યાંથી આવી અને અન્‍ય માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ મામલા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્‍યું કે સવારે ૮.૪૪ વાગ્‍યા સુધીમાં મુસાફરોને પ્‍લેન માંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યા હતા. પ્‍લેન તિરૂવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્‍યું ત્‍યારે પાયલટે બોમ્‍બની ધમકી વિશે જાણ કરી. સવારે ૭.૩૦ વાગ્‍યે એરપોર્ટને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી, સવારે ૭.૩૬ વાગ્‍યે એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એરપોર્ટ પર કોઈ ઓપરેશનલ વિક્ષેપો નથી. ધમકી કોણે અને કેવી રીતે આપી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી? કેસની તપાસ ચાલી રહી છે

(11:56 AM IST)