News of Thursday, 22nd August 2024
પોલેન્ડમાં જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાના સ્મારકોને પુષ્પાંજલી અર્પતા નરેન્દ્રભાઇ મોદી

જામનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૨૧ અને ૨૨ ઓગષ્ટ એ યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. વડાપ્રધાને પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટ માં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.વડાપ્રધાનશ્રી ની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત વિકાસ ભી , વિરાસત ભીના મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મળતિમાં આપવામાં આવ્યા છે.મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના ૬૦૦ જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું . આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન , શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું. પોલેન્ડના વોર્સો ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જામસાહેબ દિગ્વીજયસિંહજી જાડેજાના સ્મારકને પુષ્પાંજલી અર્પણ કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
