News of Thursday, 22nd August 2024
અલ કાયદાથી પ્રેરિત આતંકી મોડયુલનો પર્દાફાશ : દેશને હચમચાવવાનું હતું ષડયંત્ર
દિલ્હી પોલીસને મળી મોટી સફળતા ઝારખંડ - રાજસ્થાન - યુપી પોલીસ સાથે રાખી દિલ્હી પોલીસે મોડયુલનું કર્યું સૂરસૂરીયું

નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે એટીએસ સાથે મળીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટ પર હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં, અલ કાયદા પ્રેરિત મોડ્યુલ નો પર્દાફાશ થયો હતો. ઝારખંડ, યુપી અને રાજસ્થાનમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૪ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. અનેક શંકાસ્પદોની શોધ ચાલી રહી છે.
પ્રારંભિક તપાસ મુજબ, આ મોડ્યુલ રાંચીના ડો. ઈશ્તિયાક દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. તે દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોટી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવડીમાંથી હથિયારોની તાલીમ લેતા છ શકમંદોની અટકાયત કરી છે.
શકમંદોની પૂછપરછ કર્યા બાદ સ્પેશિયલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન કુલ આઠ શકમંદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. હાલમાં, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે અને નેટવર્ક સાથે સંકળાયેલા વધુ શકમંદોની ધરપકડ થવાની ધારણા છે. હજુ પણ ઘણી જગ્યાએ ઓપરેશન ચાલુ છે અને હથિયારો, દારૂગોળો, જેહાદી અને આતંકવાદી સાહિત્ય વગેરેની રિકવરી પણ ચાલુ છે.
ભારતીય ઉપખંડમાં અલ કાયદા વિરૂદ્ધ ઝારખંડના લોહરદાગા, હજારીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે. ડઝનબંધ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. એટીએસની ટીમે હજારીબાગના પેલાવલમાંથી બે લોકોને ઝડપી લીધા છે. લોહરદગા જિલ્લામાં અને રાંચીમાં ચાન્હોમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.લોહરદગા પોલીસ કેપ્ટન હરીશ બિન જમાને જણાવ્યું કે એટીએસની ટીમ લોહરદગા કુડુ પોલીસ સ્ટેશન હેઠળના કૌવાખાપ ગામમાં દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ઇલ્તાફ નામનો યુવક દરોડો પાડે તે પહેલા જ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. તેના ઘરેથી બે હથિયારો મળી આવ્યા છે. ઝારખંડમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોહરદગા, રાંચી, હજારીબાગ વગેરે જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
લોહરદગા જિલ્લાના કુડુ બ્લોકના હજલા પંચાયતના કૌવાખાપ ગામમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી હતી. તેણે ગામના એક યુવકની બે હથિયારો સાથે ધરપકડ કરી છે અને તેને પોતાની સાથે લઈ ગઈ છે. આ અંગે ATSની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીડીપીઓ શ્રદ્ધા કેરકેટાએ દરોડાની પુષ્ટિ કરી છે, પરંતુ ધરપકડ કરાયેલો યુવક કઈ સંસ્થાનો છે અથવા તેનું નામ શું છે તે વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
