News of Thursday, 22nd August 2024
હિંસાની દહેશતઃ ઇમરાનના પક્ષે રેલી મુલત્વી રાખી
હવે ૮ સપ્ટેમ્બરે રેલી યોજાય તેવા નિર્દેશો

ઇસ્લામાબાદ તા. રર :.ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ગુરુવારે યોજાનારી રેલીને મુલતવી રાખી છે. પીટીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હવે તેઓ તેમના નેતા ઈમરાન ખાનની સલાહ પર આવતા મહિને આ રેલીનું આયોજન કરશે. પાકિસ્તાન સરકારે અગાઉ આ રેલીને મંજૂરી આપી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ મંજૂરી પાછી ખેંચી લીધી હતી. પીટીઆઈના નેતા આઝમ સ્વાતિએ રાવલપિંડીની અદિયાલા જેલની બહાર મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. પાકિસ્તાનના પદગ્રસ્ત પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં અદિયાલા જેલમાં બંધ છે. પીટીઆઈ નેતાએ કહ્યું કે હવે ૮ સપ્ટેમ્બરે રેલીનું આયોજન થઈ શકે છે.
સ્વાતિએ એમ પણ કહ્યું કે ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં પહોંચેલા હજારો પાર્ટી સમર્થકોને રેલીમાંથી પાછા જવાની અપીલ કરી છે.
આજે ગુરુવારે યોજાનારી રેલીને લઈને ઈસ્લામાબાદમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી. હકીકતમાં, સરકારના ઇનકાર છતાં, પીટીઆઈ રેલી યોજવા પર અડગ હતી.
શરૂઆતમાં શેહબાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકારે આ રેલીને મંજૂરી આપી હતી. જોકે છેલ્લી ઘડીએ આ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી.
ઈસ્લામાબાદના ચીફ પોલીસ કમિશનર મોહમ્મદ અલી રંધાવાએ બુધવારે એક આદેશ જારી કરીને કહ્યું કે રેલીના આયોજન માટે આપવામાં આવેલ એનઓસી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા રેલીને મંજૂરી આપવી અસુરક્ષિત હોઈ શકે છે. જો કે પીટીઆઈએ મંજૂરી પાછી ખેંચી લેવા છતાં રેલી યોજવાની ધમકી આપી હતી, પરંતુ હવે પાર્ટીએ જ પીછેહઠ કરી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
