News of Friday, 23rd August 2024
આવતીકાલે સજશે આમીરના સૂરોની ‘અમીરી મહેફીલ'
ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીરનો સૌ પ્રથમ સોલો શો રાજકોટના આંગણે : આવતીકાલે રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે લાજવાબ કાર્યક્રમ : સુફી, બોલીવુડ, ફોક, ગુજરાતી સહિત અનેક ગીતોની ત્રણ કલાક જમાવટ : બોલીવુડના સાજીંદાઓ, કોરસ અને ફિમેલ સીંગર પાર્થી વ્યાસનો કંઠ : ‘મોર બની થનગાટ કરે'નું વેસ્ટર્ન વર્ઝન સાંભળવા મળશે : અચૂક માણવા જેવા શોની ટીકીટ વહેલી તકે મેળવી લેજો : સારા ગાયક બનવા શું સાંભળો છો તે અગત્યનું : આમીર મીર : આમીર મીરનો સૌપ્રથમ સોલો શો ‘અમીરી મહેફીલ' :હેમુગઢવી ઓડિટોરીયમ શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે ટીકીટ બુકિંગ માટે બુક માય શો પર ઓનલાઇન જ્યારે ઓફલાઇન બુકિંગ માટે ૯૫૫૮૮ ૨૬૬૧૭, ૭૫૫૯૩ ૩૩૭૪૬ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આવતીકાલે રાજકોટના આંગણે ઓસમાણ મીરના પુત્ર આમીર મીર પહેલીવાર સોલો કાર્યક્રમ આપવા જઇ રહ્યા છે ત્યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના વેબ એડીશનના એડીટર અને અકિલાના એકઝીક્યુટીવ એડીટર શ્રી નીમિષભાઇ ગણાત્રા સાથે આમીર મીર તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ર૩ :.. ગુજરાતી સંગીત જગત સહિત બોલીવુડમાં રાજકોટનું નામ રોશન કરનાર ઉચ્ચ દરજ્જાના કલાકાર ઓસમાણભાઇ મીરનાં નામથી આજે દુનિયા પરિચિત છે. કહેવાય છે કે, મોરના ઇંડા ચીતરવા ન પડે તેમ ઓસમાણ મીરનાં પુત્ર પણ પિતાનાં પગલે આગળ આવ્યા છે અને સંગીત જગતમાં અગ્રીમ હરોળમાં આમીર મીરનું પણ નામ લેવાય છે. રાજકોટ માટે સોભાગ્યની વાત છે કે આવતીકાલે તા. ર૪ ને શનિવારે આમીર મીર પોતાનો પહેલો ત્રણ કલાકનો સોલો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે રજુ કરવાનાં છે. જેનું નામ અપાયું છે.
‘અમીરી મહેફીલ' આજે આમીર મીર અકિલાનાં મહેમાન બન્યા હતા અને સંગીતસભર વાતો કરી હતી.
અમીર મીરે જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે તા. ર૪ ને શનિવારે મારો પહેલો સોલો શો કરવા જઇ રહ્યું છું.
અત્યાર સુધી મારા પિતા-ગુરૂ ઓસમાણ મીર સાથે છેલ્લા બે વર્ષથી પ્રોફેશનલ શો કરૂં છું. પપ્પા તો ઘણા સમયથી કહેતા હતા પણ પહેલો મારો સોલો શો રાજકોટથી કરવાની ઇચ્છા હતી. જે આવતીકાલે પૂર્ણ થશે. આ શો માટે લોકોનો અદ્્ભૂત રીસ્પોન્સ મળ્યો છે. લોકોએ મને કલ્પના બહારનો પ્રેમ આપ્યો છે.
આમીર મીર કહે છે, હું ૧૦ વર્ષનો હતો ત્યારથી ગાઉં છું. અને ૧૬ વર્ષથી ગાયન-સંગીત ક્ષેત્રે છું. ઘરે અને સ્કૂલમાં ગાતો પછી ધીમે ધીમે પ્રોફેશનલી ગાઉં છું... પપ્પા ઓસમાણ મીર સાથે છેલ્લા ર વર્ષથી શો કરું છું, અને પ્રોફેશનલી ગાઉં છું. આ વખતે રાજકોટમાં સુફી, બોલીવુડ, ફોક, ગુજરાતી આ ત્રણેય ઝોનરનાં ગીતો રાખ્યા છે. કોઇ યંત્ર આર્ટીસ્ટે આ ત્રણેય ઝોનર ટ્રાય નથી કર્યા. કોઇ એક ઝોનરમાં કલાકારો ગાતા હોય પણ મારો પ્રયત્ન છે કે આ ત્રણેય ઝોનરમાં ગાવું જેમ લોકોને જમવામાં વેરાઇટી જોઇએ છે તેમ ગીતોમાં પણ ઓડિયન્સ વેરાઇટી ઇચ્છે છે. પપ્પાને પહેલેથી સાંભળતા આવ્યા છીએ જેઓ બધા જ ઝોનરનાં ગીતો ગાઇ છે. મને તેમનાં માંથી જ પ્રેરણા મળી છે. બધા ઝોનરમાં ગાવાથી તમે વર્સેટાઇલ સીંગર બની શકો.
રાજકોટનાં પ્રોગ્રામમાં બોલીવુડ કલાકાર સાજીંદાઓ પર્ફોમ કરવાનાં છે. ડ્રમર, ગિટારીસ્ટ, કિ. બોર્ડ પ્લેયર સહિત ૧૪ લોકોની ટીમ સાથે કોરસ ફિમેલ ગાયીકા પાર્થી વ્યાસ પણ સૂર સજાવવાના છે. આમીર મીરે આ કાર્યક્રમની રિહર્સલ પણ મુંબઇમાં જ કરી છે. આમીરે માત્ર ગુજરાતી જ નહીં, તમીલ, અંગ્રેજી, મરાઠી, હિન્દી, પંજાબી, કચ્છી, સીંધી સહિતની ભાષામાં ગીતો ગાયા છે. રાજકોટમાં સપ્તસંગીતિમાં પણ ઓસમાણ મીર સાથે આમીર મીરે જમાવટ કરી હતી.
સલીમ-સુલેમાન, અમિત ત્રિવેદી, કેદાર-ભાર્ગવ, સચીન-જીગર સાથે કનેકટેડ છું. આમીર કહે છે સચીન-જીગર સાથે મુવી માટે બે-ત્રણ ગીતો કર્યા છે. અમિતભાઇ સાથે પણ ત્રણ ગીતો કર્યા છે. સલીમ-સુલેમાન માટે ‘મારી માવડી' કરીને નવરાત્રીમાં ગાયેલું. આમીર કહે છે, આતો મારી શરૂઆત છે. મારે હજી ચાલુ બધુ કરવાનું છે પપ્પાની વાત કરૂં તો તેમનું ૧૦ ટકા સંગીત જ મે હજી મેળવ્યું છે. ૯૦ ટકા સંગીત લેવાનું બાકી છે.
અમુક વસ્તુ એવી છે કે મોટી ઉંમરનાં થયા પછી સમજાય. જેમકે તેમનો સ્વભાવ, લાઇફ સ્ટાઇલ એ મારામાં આવતા વાર લાગશે એવું લાગે છે.
અત્યારની જનરેશન રિયાઝ નથી કરતી જયારે આમીર મીરે સંગીતને જ જીવન બનાવ્યું છે તેઓ જબરદસ્ત રિયાઝ કરે છે. આમીર કહે છે, અમારૂં ટ્રાવેલીંગ ખુબ ચાલતું હોય છે પણ મને લાગે છે તમે શું સાંભળો છો એ મુખ્ય રિયાઝ છે તમારે જો સારા ગાયક બનવું હોય તો શું સાંભળો છો એ અગત્યનું છે હું નાનપણથી જ ઉસ્તાદોને સાંભળતો આવ્યું છું. ઘરે મારા પપ્પા ઓસમાણ મીર એ પછી નુસરત ફતેહ અલીખાં, મહેંદી સહન, ગુલામઅલી ખાં સહિત મોટા કલાકારોને સાંભળ્યા છે ગુજરાતીમાં પણ ધુરંધરોને સાંભળ્યા છે પહેલા મારે બોલીવુડમાં કામ કરવાની ઇચ્છા હતી પણ જયારે સમજ પડી કે ગુજરાતીમાં જ આપણી પાસે ઘણું બધું છે ત્યારથી ગુજરાતીમાં જ કામ કરૂં છું. આમીર કહે છે મારે મારા પપ્પા જેવી છાપ પાડવી છે જેથી એક ગાયક તરીકે લોકો લાંબા સમય સુધી યાદ રાખે. આમીરને બોલીવુડમાંથી પણ અનેક ઓફર મળી છે જેમાં ભવિષ્યમાં કામ થશે. આમીર મીર નાનપણથી જ પિતા પાસે શિખ્યા છે. જો કે થોડા મહિનાઓ સાજીદ મીર પાસે પણ તાલીમ મેળવી છે પૂજય મોરારીબાપુ સહિત અનેક મહાત્માઓનાં આશીર્વાદ પણ આમીરને મળ્યા છે. આમીર કહે છે પહેલા હું ખુબ ડરીને ગાતો હવે ખુલ્લા દિલે ગાઉં છું. આવતી કાલે મારો આખો પરિવાર મારા પહેલા સોલો શોને જોવા, મને સાંભળવા આવશે હું નર્વસ છું. મેં બોલીવુડનું લીસ્ટ બનાવ્યું છે જેમાં લોકોને ખુબ મજા આવશે ‘‘મોર બની થનગનાટ કરે'' ને વેસ્ટર્નમાં રજુ કરવાનો પ્રયત્ન કરીશ. મારા ગુરૂ પિતા ઓસમાણ મીર સાથે સ્ટેજ પર અનેકવાર ગાયું છે પણ તેઓ ઓડિયન્સમાં હશે તેમની સામે સ્ટેજ પર પહેલીવાર ડર તો લાગે છે પણ જેટલું બને એટલું સારૂં આપવાની કોશિશ કરીશ.
રિયાલીટી શો પછી ગાયકોની વેલ્યુ નથી રહેતી
રાજકોટ ખાતે પ્રથમ સોલો શો કરનાર આમીર મીરે જણાવ્યું હતુ કે, પપ્પા ઘણા સમયથી કહેતા કે તુ રીયાલિટી શોમાંથી જા કે લાઇવ શો કર પણ મને રીયાલિટી શોમાં જવાની ઇચ્છા નહોતી થતી. કારણ રીયાલિટી શો જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી લોકો ગાયકોને ઓળખે છે પણ શો પુરા થઇ જાય પછી ગાયકોની વેલ્યુ રહેતી નથી મને એવું લાગે છે કારણ બહું ઓછા લોકો રિયાલીટી શો પછી ગાયકોને ઓળખે છે મારે પહેલેથી જ રિયાલીટી શો માં જવાની ઇચ્છા નહોતી.
અરે અમારી કૈસે હો... બહુત અચ્છા ગાતે હો યાર...
હરિહરન, શંકર મહાદેવન, કૌશિકી ચક્રબર્તી, શ્રેયા ઘોષલે આમીર મીરનાં વખાણ કર્યા
આમીર મીરને જીવનનો યાદગાર અનુભવ થયો તેમણે કહ્યુ કે, તાજેતરમાં અમે આનંદ અંબાણીના લગ્નમાં ગયેલ. પપ્પાને બધા ગાયકો ઓળખે તે સ્વાભાવિક છે. પપ્પા ગ્રીન રૂમમાં હતા હું રૂમમાં હતો. પપ્પાએ મને ફોન કર્યો તું કયાં છે અહિ આવ બધા તને યાદ કરે છે મને નવાઇ લાગી કે અહિં મને યાદ કરનાર કોણ ? હું ગ્રીનરૂમમાં ગયો ત્યાં બેક સ્ટેજ હું ઉભો હતો. ત્યાં હરિહરનજી આવ્યા, હું તેમને પગે લાગ્યો તેઓ બોલ્યા ‘અમે આમીર કૈસે હો, બહુ અચ્છા ગાતે હો..' ત્યારબાદ શંકર મહાદેવને મને આશીર્વાદ આપ્યા. કૌશિકી ચક્રબર્તિયે પણ આશીર્વાદ આપ્યા. હું શ્રેયા ઘાોષલેનો જબરો ફેન છું તેઓ આવ્યા અને મને કહે ‘બહુત અચ્છા ગાતે હો...'તુમ્હારા વિડીયો બહુત બાર દેખા હૈ... આ પળો મારા જીવનની યાદગાર પળો બની રહી.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
