News of Friday, 23rd August 2024
બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ
હવે તે ભારતથી અન્ય દેશોમાં કેવી રીતે જશે ? : પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે : બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને ૪૫ દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે

ઢાકા, તા.૨૩: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોમાં વધારો થતો જઇ રહ્યો છે. ૫ ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. હવે બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે.
એટલે કે શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને ૪૫ દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે. શેખ હસીનાને ભારતમાં રહેવામાં કદાચ કોઈ સમસ્યા ન આવે કારણ કે તેણે હાલમાં ભારતમાં આશરો લીધો છે, પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં.
શેખ હસીના વિરુદ્ધ ૫૦થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે. યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
