News of Friday, 23rd August 2024
આમ આદમી પાર્ટી જમ્મુ કાશ્મીરના ચૂંટણીજંગમાં ઝંપલાવશે : મફત વીજળી સહિતના આપ્યા વચનો
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષની લાંબી રાહ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટ નક્કી કરાઈ છે. 10 વર્ષની લાંબી રાહ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થવાનું છે. જેમાં 24 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ત્યારે હવે જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એલાન કર્યું છે કે, આપ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડશે.
દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી હવે જમ્મુ કાશ્મીરમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. તેઓ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડશે. તેની માહિતી પાર્ટી નેતા ઈમરાન હુસૈને આપી છે. તેમણે કહ્યું કે, 'આમ આદમી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડશે. જો અમે સરકાર બનાવીશું તો અમે લોકોને ફ્રી વીજળી અને વિશ્વ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓ આપીશું અને અહીં મોહલ્લા ક્લીનિક બનાવીશું. હું જમ્મુ કાશ્મીરના લોકોને આપ અને અરવિંદ કેજરીવાલને મોકો આપવાની અપીલ કરું છું.'
18 સપ્ટેમ્બરે યોજાનાર મતદાનના પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થવાનું છે. તેમાંથી 16 બેઠકો કાશ્મીર ખીણની છે, જ્યારે 8 બેઠકો જમ્મુ ક્ષેત્રની છે. પાર્ટીઓ એક-બે દિવસમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
