News of Saturday, 24th August 2024
નેપાળ બસ દુર્ઘટનામાં 27 ભારતીયોના મોત: 24 લોકોના મૃતદેહ આજે મહારાષ્ટ્ર પહોંચશે
104 ભારતીય શ્રદ્ધાળુઓનું એક જૂથ નેપાળની 10 દિવસની યાત્રા માટે બે દિવસ પહેલા ત્રણ બસોમાં મહારાષ્ટ્રથી નેપાળ પહોંચ્યું હતું.

નેપાળમાં શુક્રવારે થયેલા બસ અકસ્માતમાં મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. હાઈવે પરથી પસાર થઈ રહેલી બસ કાબુ બહાર જઈને મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી 24 મૃતદેહોની ઓળખ થઈ હતી અને તે મહારાષ્ટ્રના રહેવાસી હતા. હવે આ તમામ મૃતદેહોને શનિવારે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, જેઓ આપત્તિ રાહત અને પુનર્વસન વિભાગનો હવાલો પણ ધરાવે છે, તેમણે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. મૃતદેહોને પરત લાવવા માટે નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ગૃહ પ્રધાનના હસ્તક્ષેપ પછી હવે ભારતીય વાયુસેનાના વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શનિવારે ઉત્તર પ્રદેશથી મૃતદેહોને મહારાષ્ટ્ર લઈ જશે. ઘટનાનો ભોગ બનેલા લોકો મુંબઈથી લગભગ 470 કિલોમીટર દૂર જલગાંવ જિલ્લાના વરણગાંવ, દરિયાપુર, તલવેલ અને ભુસાવલના હતા.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
