<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ખાલી ૧૬ ફોલોઅર્સ છતાં આખો દિવસ રીલ બનાવતી રહેતી પત્‍નીઃ કંટાળેલા પતિએ પતાવી દીધી

નવી દિલ્‍હી,તા.૨૪: આજના સમયમાં યુવાન હોય કે બાળક, મોટા હોય કે વડીલ સૌ કોઈ ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ્‍સ જોવાનું અને બનાવવાનું પસંદ કરતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં રીલ્‍સને લઈને લોકોમાં એક અલગ જ દીવાનગી જોવા મળી રહી છે. કર્ણાટકના શહેર ઉડુપીમાં રહેતી એક મહિલાને પણ રીલ બનાવવાનો ખૂબ શોખ હતો. જોકે તેની પાસે ફક્‍ત ૧૬ ફોલોઅર્સ જ હતા, પણ તેમ છતાં તે સવાર-સાંજ, આખો દિવસ રીલ જ બનાવતી રહેતી હતી. આ વાતથી નારાજ થયેલા પતિએ ગુસ્‍સામાં આવીને પત્‍નીનું મર્ડર કરી નાખ્‍યું.

હવે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મૃતક મહિલાની ઓળખાણ જયશ્રી તરીકે થઈ છે. તેના પતિનું નામ કિરણ ઉપાધ્‍યાય છે. તપાસ દરમ્‍યાન જાણવા મળ્‍યું છે કે, મહિલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્‍ટિવ રહેતી હતી. રીલ બનાવતી વખતે તેના પતિને વધારે ખોટું લાગતું હતું. જેવી રીતે સવાર-સાંજ, રાત-દિવસ પત્‍ની રીલ બનાવવાના ચક્કરમાં પડી રહેતી, તેને લઈને બંને વચ્‍ચે ઝઘડા થવા લાગ્‍યા. ગુરુવાર રાતે પણ બંને વચ્‍ચે ઝઘડો થયો. પોલીસના જણાવ્‍યા અનુસાર, ઝઘડો વધી જતાં પતિએ પત્‍ની સાથે મારપીટ કરી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, શરૂઆતમાં આ કેસને દબાવવા માટે પતિએ પોતાની ઘાયલ પત્‍નીને ઉડુપીમાં આવેલ બ્રહ્મવારની એક ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયો. તેણે જણાવ્‍યું કે, ‘ઘરની છત પરથી પડી જવાથી પત્‍ની ઘાયલ થઈ ગઈ.' બાદમાં તેને આગળ સારવાર માટે ઉડુપીની અઝ્‍ઝારાકાડુની સરકારી હોસ્‍પિટલમાં લઈ ગયો. કહેવાય છે કે, આ દરમ્‍યાન પત્‍નીને મૃત જાહેર કરવામાં આવી. જોકે તપાસમાં પતિની પોલ ખુલી ગઈ.

(9:51 AM IST)