<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

યે તો અભી ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ?? રાજયમાં હજુ વધુ બઘડાટી બોલાવશે મેઘો : હવામાન વિભાગે નવી ઉદ્ભવેલી વરસાદી સીસ્ટમ વિષે કર્યા અવગત : અમદાવાદમાં 25, 26 અને 27મી ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

લો-પ્રેશર ના લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે અને અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવનાઓ : હવામાન વિભાગે આજના દિવસ માટે ભરૂચ - સુરત - અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ : નવી વરસાદી સીસ્ટમ નજીક આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આવનારા થોડા દિવસો માં મેઘાવી માહોલ જોર પકડે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાત તરફ આવેલી સિસ્ટમ અંગે સમાચાર સંસ્થાઓને જણાવીને આગામી દિવસોમાં શું થઈ શકે છે તે વિશે પણ જણાવ્યું છે. શનિવારે મોનસુન ટ્રફ ગુજરાતની નજીક આવવાથી રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ સિવાય જે મોનસુન ટ્રફ મહારાષ્ટ્ર થઈને પસાર થઈ રહ્યો હતો તેની ગુજરાતમાં એન્ટ્રી થતાં દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં તોફાની વરસાદ થયો હતો.

રામાશ્રય યાદવે ગુજરાતના વરસાદની વાત કરીને શનિવારે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વ તથા ઉત્તરપ્રદેશના દક્ષિણ-પૂર્વમાં જે લો પ્રેશર બનેલું છે જે 26મી ઓગસ્ટે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તે પછી 27મીએ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા ભાગો પ્રવેશ કરશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે અને અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવનાઓ છે.

અમદાવાદના વરસાદ અંગે વાત કરીને તેમણે જણાવ્યું કે, 25, 26 અને 27મી ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 28મી ભારે વરસાદની શક્યતાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજના દિવસ માટે રાજ્યમાં રેડ તથા ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ભરૂચ અને સુરતમાં માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે, “તારીખ 28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે.” આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.

(1:57 PM IST)