News of Sunday, 25th August 2024
ભારતમાં વિઝાનો વેઈટિંગ પીરિયડ ઘટાડવાની અપીલ
અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે તેને લઈ અપીલ

વોશિંગ્ટન, તા.૨૫ : અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે. અમેરિકા પણ આ વાતથી સારી રીતે માહિતગાર છે અને તે પણ પ્રયાસ કરી રહ્યું છે કે આ વેઈટિંગ પીરિયડમાં ઝડપથી ઘટાડો થાય. શુક્રવારે નવી દિલ્હીમાં બંને દેશોની ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રાવેલ કરવાના પડકારો અંગે ચર્ચા થઈ હતી. ભારત અને યુએસ વચ્ચે ટ્રાવેલિંગમાં આવતો સૌથી મોટો પડકાર વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ છે અને તે અંગે આ સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની સંખ્યા પણ મર્યાદિત છે અને આ મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુએસના વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટનો વેઈટિંગ પીરિયડ ૨૦૨૧ના અંતે ૯૯૯ દિવસની ઊંચી સપાટીથી ઘટી ગયો છે પરંતુ તેમ છતાં ભારતમાં આ વેઈટિંગ પીરિયડ એક વર્ષ જેટલો છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વેબસાઈટ પર ભારતના કયા શહેરમાં કેટલા દિવસનો વેઈટિંગ પીરિયડ છે તે દર્શાવે છે. જેમાં શુક્રવારે આ વેબસાઈટ પર ચેન્નાઈમાં મ્૧/મ્૨ વિઝા ઈન્ટરવ્યૂ માટે ૪૫૯ દિવસનો વેઈટિંગ પીરિયડ હતો. જ્યારે મુંબઈમાં ૪૫૦, હૈદરાબાદમાં ૪૦૭, કોલકાતામાં ૩૮૧ અને દિલ્હીમાં ૩૭૯ દિવસનો વેઈટિંગ પીરિયડ હતો. જોકે, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીએ યુએસને આ વેઈટિંગ પીરિયડ હજી પણ ઓછો કરવા માટે વિનંતી કરી છે.
યુનિયન ટૂરિઝમ મિનિસ્ટ્રીના અધિક સચિવ સુમન બિલ્લાએ જણાવ્યું હતું કે, "ટ્રાવેલર્સની સંખ્યા સારી હોવા છતાં, આપણે ભારત અને યુએસ વચ્ચેના ટૂરિઝમ પરિપ્રેક્ષ્યમાં આપણી પાસે રહેલી સંભવિતતાનો લાભ ઉઠાવ્યો નથી. જે રીતે ભારતીય અર્થવ્યવસ્થા વધી રહી છે તે જોતાં અહીંથી આઉટબાઉન્ડ ટૂરીઝમ વધતું જ રહેશે. તેમણે યુએસ વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ હાકલ કરી હતી, જે ૧૦ વર્ષ માટે જારી કરવામાં આવતા હોવા છતાં *મુશ્કેલ અને કંટાળાજનક* છે. જ્યારે યુએસ એમ્બેસી મિનિસ્ટર ફોર કોમર્શિયલ અફેર્સના કાઉન્સેલર જોનાથન એમ હેઇમરે જણાવ્યું હતું કે વિઝા અરજી પ્રક્રિયાની ગતિમાં વધારો થયો છે જેના કારણે રેકોર્ડ સંખ્યામાં વિઝા આપવામાં આવ્યા છે. એપ્લિકેશન પ્રક્રિયા માટે બેકએન્ડ પર અમે વધુ કે ઓછા સમાન સંસાધનો સાથે ૬૦ ટકા વધુ વિઝા પ્રોસેસ કરવામાં સક્ષમ છીએ અને અમે છેલ્લા વર્ષમાં ૧૧ લાખથી વધુ વિઝા જારી કર્યા છે, જે અમારા માટે એક રેકોર્ડ છે અને તે આ સંખ્યામાં વધારો કરવાનું ચાલુ રાખવામાં આવશે.
અમેરિકન કેરિયર્સ સહિત વેસ્ટર્ન એરલાઈન્સ યુક્રેન યુદ્ધના કારણે રશિયન એરસ્પેસને ઓવરફ્લાઈંગ કરી રહી નથી. આ કારણે તેમના દ્વારા નોનસ્ટોપ માટેના ભારતના રૂટ લાંબા થઈ ગયા છે.
પરિણામે યુનાઈટેડ અને અમેરિકનની દિલ્હી અને ન્યૂયોર્ક વચ્ચે માત્ર એક જ દૈનિક ફ્લાઈટ છે. જ્યારે રશિયાને ઓવરફ્લાય કરી રહેલી ભારતની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયા દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી ન્યૂયોર્ક, નેવાર્ક, વોશિંગ્ટન, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો જેવા સ્થળો વચ્ચે ૫૧ વીકલી ડાયરેક્ટ ફ્લાઈટ્સ સાથે ભારત અને યુએસ વચ્ચે નોનસ્ટોપનું સૌથી મોટું ઓપરેટર છે.
જ્યારે વેસ્ટર્ન એરલાઈન્સ દ્વારા રશિયન એરસ્પેસનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે તે કોઈ જાણતું નથી ત્યારે એર ઈન્ડિયા આ શિયાળામાં તેના નેટવર્ક પર લોસ એન્જલસ અને ડલ્લાસની ફ્લાઈટ ઓપરેટ કરવા જઈ રહી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
