<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ : જમ્મુ કાશ્મીરના ઉમેદવારોના નામ પર ચર્ચા

બેઠકમાં પીએમ મોદી,ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ ડો.જિતેન્દ્રસિંહ, સુધા યાદવ, ઈકબાલસિંહ લાલપુરા, સત્યનારાયણ જાટિયા, સર્બાનંદ સોનવાલ વગેરે ઉપસ્થિત રહ્યા

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. 

 આ ઉપરાંત ડો.જિતેન્દ્રસિંહ, સુધા યાદવ, ઈકબાલસિંહ લાલપુરા, સત્યનારાયણ જાટિયા, સર્બાનંદ સોનવાલ વગેરે આગેવાનો પહોંચ્યા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ  બાદ ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની કુલ 90 બેઠકોમાંથી 47 બેઠકો કાશ્મીરમાં  છે, જ્યારે 43 બેઠકો જમ્મુમાં છે. જમ્મુ ડિવિઝનમાં સીટો વધવાને કારણે ભાજપને અહીં મોટી અપેક્ષાઓ છે. આ ઉપરાંત કલમ 370 હટાવ્યા બાદ અને વિકાસ કાર્યોને ઝડપી બનાવ્યા બાદ કાશ્મીર ક્ષેત્રમાં પણ તેને સમર્થન મળવાની આશા વધી છે. BJP ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

   જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેના માટે નામાંકનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 7 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પહેલા આજે ગુલાબ નબી આઝાદના DPAP એ પણ 13 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે.

(11:21 PM IST)