<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દેશભરમાં આકાશી આફત! પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનું અલર્ટ

ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વધારે સમયથી કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું

નવી દિલ્‍હીઃ દેશના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વધારે સમયથી કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર સહિત મુંબઈ અને ગોવામાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ જ રહેશે તેવી ચેતવણી જારી કરી છે.
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે એક નાળામાં અચાનક પૂરમાં એક મહિલા અને તેના બે બાળકો તણાઈ ગયા હતા.
ગુજરાતમાં પૂર જેવી સ્થિતિના કારણે ઘણા જિલ્લાઓની વસ્તી પ્રભાવિત છે. રાજ્યમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે. નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 356 મીમી વરસાદ નોંધાયો છે. પાણીની સપાટી વધવાને કારણે સરદાર સરોવર ડેમના 30માંથી 23 દરવાજા ખોલવા પડ્યા હતા. નર્મદા નદીમાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને, ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોરબીમાં પૂરગ્રસ્ત નદી નાળાને પાર કરતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી ધોવાઈ ગઈ હતી, જેમાં 10 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ સાત લોકો હજુ પણ મળ્યા નથી.

 

(4:20 PM IST)