<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

સાવધાન... સાવધાન... ગુજરાત પર ‘અસના' વાવાઝોડાનું જોખમ : તબાહી મચાવશે ?

કચ્‍છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્‍લોનિક વાવાઝોડું દરિયામાં પ્રવેસશે : જેના કારણે ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે : દરમિયાન ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે : ચક્રવાતી તોફાનને લઈને IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે

નવી દિલ્‍હી, તા.૩૦: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસના' વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે, જેની અસર ૩૦ અને ૩૧ ઓગસ્‍ટના રોજ જોવા મળી શકે છે. આ દરમિયાન ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતી તોફાનને લઈને IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

છેલ્લા થોડા દિવસોમાં બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. આ પ્રેશર ગુજરાતના ભુજથી ૭૦ કિમી ઉત્તર-પશ્‍ચિમમાં, નલિયાથી ૬૦ કિમી ઉત્તર-પૂર્વમાં અને પાકિસ્‍તાનના કરાચીથી ૨૫૦ કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવેલું છે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે. તે ૩૦ ઓગસ્‍ટે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને આગામી ૨ દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવશે.

જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ પણ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે, જેના કારણે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્‍થિતિ સર્જાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડીપ ડિપ્રેશન સમયની સાથે નબળું પડશે, પરંતુ તે વધુ મજબૂત બન્‍યું. આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થતાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે.

આ સંદર્ભે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જારી કરીને કહ્યું કે ૩૦-૩૧ ઓગસ્‍ટના રોજ સાયક્‍લોનિક વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં તબાહી મચાવી શકે છે. આ દરમિયાન, ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની ઝડપ ૮૫ કિલોમીટર સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપવામાં આવી છે. બાદમાં ચક્રવાતી તોફાન ધીમે ધીમે પશ્‍ચિમ-દક્ષિણ-પશ્‍ચિમ તરફ આગળ વધશે.

IMD અનુસાર ચક્રવાતી તોફાનની અસર ગુજરાતના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, કચ્‍છ જિલ્લામાં જોવા મળી શકે છે.

(9:49 AM IST)