<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

શ્રાવણ ઉપવાસ-એકટાણામાં લોકો ૫૦૦ કરોડનો ફરાળી નાસ્‍તો ઝાપટી ગયા

દેશમાં સ્‍નેક્‍સ માર્કેટ આશરે રૂા. ૬૦,૦૦૦ કરોડનું છે, જેમાં ગુજરાતનો શેર ૨૦% આસપાસ : બટાકા, કેળા વેફર્સ, ચેવડો, સાબુદાણાની ફરાળી આઇટમોનું વેચાણ બમણાથી પણ વધુ થયુ

નવી દિલ્‍હી,તા.૩૦:પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે. આ જ કારણે આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્‍તાનું વેચાણ વધી જાય છે. પેક્‍ડ નાસ્‍તાના બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્‍યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન અંદાજે રૂ. ૪૦૦-૫૦૦ કરોડના લૂઝ અને પેક્‍ડ ફરાળી નાસ્‍તાનું વેચાણ થઇ જવાનો અંદાજ છે.

ભારતમાં સ્‍નેક્‍સ માર્કેટ આશરે રૂ. ૬૦,૦૦૦ કરોડનું છે. જેમાં ગુજરાતનો શેર ૨૦% આસપાસ હોવાનું જાણકારો માને છે. રાજયનું પેક્‍ડ સ્‍નેક્‍સનું માર્કેટ અંદાજે રૂ. ૧૦,૦૦૦-૧૨,૦૦૦ કરોડનું છે. ગુજરાતમાં વેફર્સનું ઉત્‍પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્‍લાય થાય છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્‍તાની માગ વધી છે અને તેને ધ્‍યાનમાં રાખી ઉત્‍પાદકોએ ૨૦-૩૦% સ્‍ટોક પણ વધારી દીધો છે.

આ મહિનામાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેફર્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્‍ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્‍ડ મળીને અંદાજે રૂ. ૪૦૦-૫૦૦ કરોડની ફરાળી વસ્‍તુઓનું વેચાણ આ મહિનામાં થઇ જશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂ. ૩૦-૪૦ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્‍ય દિવસોમાં રૂ. ૧૦ના પેકિંગનું વેચાણ વધુ રહે છે.

શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્‍તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાના દુકાનદાર, દરેક લોકો માગને પહોચી વળવા માટે આગોતરા તૈયારી રૂપે ૨૦-૩૦% વધારે સ્‍ટોક્‍સ કરી રાખે છે. ડિસ્‍ટ્રિબ્‍યૂટર્સ અને રિટેલર્સ પણ એડવાન્‍સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્‌ બિન ફરાળી નાસ્‍તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્‍થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્‍ડ નાસ્‍તાના ભાવમાં કોઈ વધારો થયો નથી.

શ્રાવણ મહિનામાં ફરાળી નાસ્‍તાનું માર્કેટ સામાન્‍ય કરતા ૨૫-૩૦% જેટલું વધી જાય છે. પહેલા લોકો ઘરે ફ્રાળ બનાવતા હતા પણ હવે લોકો બહારથી લેવાનું વધુ પસંદ કરે છે. પેક્‍ડ ફૂડમાં લોકોની સગવડતા સાચવી જતી હોવાથી તેની વેચાણ વધુ હોય છે. ઓફિસમાં ભૂખ લાગે તો વેફર કે ફરાળી ચેવડાનું પેકેટ ખોલીને લોકો ખાઈ લે છે. આવનારી માગ મુજબ સપ્‍લાય જળવાઈ રહે તે માટે ઉત્‍પાદકો એડવાન્‍સમાં વધારે સ્‍ટોક કરતા હોય છે.

(9:50 AM IST)