તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
ઉડુપીમાં રસ્તા પરના ખાડાનો વિરોધ કરવા યમરાજ-વેતાળનો વિડિયો થયો વાઇરલ
ભૂતકાળમાં હૈદરાબાદમાં પણ એક મહિલા કાદવવાળા ખાડામાં બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો

ઉડીપી,તા.૩૦: ચોમાસામાં રસ્તા પર મોટા ખાડા પડી જતા હોય છે ત્યારે કર્ણાટકના ઉડુપીમાં ખાડા ધરાવતા રસ્તા પર યમરાજા ખુદ લોન્ગ જમ્પ સ્પર્ધા લઈ રહ્યા હોય અને વેતાળ આ ખાડો કૂદી રહ્યો હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયો ઉડુપીના પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માલ્પે બીચ પરના રોડનો છે જયાં રસ્તામાં ખાડાની સમસ્યા ખતરનાક લેવલે પહોંચી ગઈ છે. યમરાજા ગોલ્ડન કલરના તેમના પરંપરાગત વેશમાં દેખાઈ રહ્યા છે, જયારે વેતાળ બનેલા માણસે હાડપિંજર જેવો દેખાય એવો ડ્રેસ પહેર્યો છે. વળી તેમની સાથે ચિત્રગુપ્ત પણ છે જે ખાડા કૂદવાની સ્પર્ધામાં કેટલો મોટો જમ્પ લગાવે છે એને મેઝર-ટેપથી ચકાસીને તેમની પાસે રહેલા પેડમાં નોંધ કરી રહ્યા હોવાનું દેખાય છે. વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ રસ્તાની આવી દશા વિશે આઘાતજનક ટિપ્પણી કરીને જનપ્રતિનિધિઓની ફીરકી ઉડાવી છે. આવી જ રીતે અગાઉ બેન્ગલોરના રસ્તા પરની દુર્દશા માટે ચેન્જમેકર્સ ઓફ કનકપુરા રોડ નામની સંસ્થાએ યમરાજ અને ભેંસનો ડ્રેસ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ભૂતકાળમાં હૈદરાબાદમાં પણ એક મહિલા કાદવવાળા ખાડામાં બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
