<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

હિમાચલ આર્થિક સંકટમાં : રાજ્‍ય પર અધધધ ૮૭,૦૦૦ કરોડનાં દેવું

રાજયમાં દરેક વ્‍યકિત પર રૂ.૧.૧૭ લાખનું દેવું

શિમલા, તા.૩૦: હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ રાજ્‍યની ખરાબ આર્થિક સ્‍થિતિથી નિપટવા એક મોટું એલાન કર્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ સહિત બે મહિના સુધી વેતન-ભથ્‍થાં ના લેવાનું એલાન કર્યું છે. રાજ્‍ય પર રૂ. ૮૭,૦૦૦ કરોડનાં દેવાં છે, જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધી વધીને રૂ. ૯૪,૯૯૨ કરોડ થઈ જશે. આમ રાજ્‍યમાં દરેક વ્‍યક્‍તિ પર રૂ.૧.૧૭ લાખનું દેવું છે.કોંગ્રેસના CMએ રાજ્‍યનાં દેવાંનું ઠીકરું વિરોધ પક્ષ ભાજપ પર ફોડ્‍યું છે. રાજ્‍યને આર્થિક સંકટમાં ધકેલવા માટે જવાબદાર પાછલી ભાજપ સરકાર છે. અમને આ દેવાં વિરાસતમાં મળ્‍યું છે. અમે રાજ્‍યની આવકમાં સુધારો કર્યો છે. પાછલી સરકારે પાંચ વર્ષમાં રૂ. ૬૬૫ કરોડની આવક આબકારીથી એકત્ર કરી હતી, જ્‍યારે અમે એક વર્ષમાં રૂ. ૪૮૫ કરોડની કમાણી કરી હતી. અમે રાજ્‍યની નાણાકીય સ્‍થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.

CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે જૂન, ૨૦૨૨ પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્‍યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે રાજ્‍યને વાર્ષિક રૂ ૨૫૦૦થી ૩૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્‍શન યોજનાને પુનઃસ્‍થાપિત કરવાને કારણે રાજ્‍યને રૂ. ૨૦૦૦ કરોડનો બોજ પડ્‍યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.

તેમણે કહ્યું હતું કે તેમને કેન્‍દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ ૨૦૨૩-૨૪માં મહેસૂલી ખાધ ગ્રાન્‍ટ રૂ. ૮૦૫૮ કરોડ હતી, જે આ વર્ષે ઘટીને રૂ. ૬૨૫૮ કરોડ થઈ છે. એટલે કે રૂ. ૧૮૦૦ કરોડનો ઘટાડો થયો છે, એમ તેમણે કહ્યું હતું.

(3:50 PM IST)