<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કેન્‍યાના બિલિયોનેર ગુજરાતી અને મોમ્‍બાસા સિમેન્‍ટના માલિક હસમુખ પટેલનું અવસાન

જાણીતા ઉદ્યોગપતિ અને બિલિયોનેર હોવા ઉપરાંત પોતાના સેવાભાવી કાર્યો માટે લોકોમાં જાણીતા બન્‍યા હતાઃ તેઓ ઉદાર હૃદયના વ્‍યક્‍તિ અને પર્યાવરણના સંરક્ષણ માટે કાર્યરત રહ્યા હતા

કેન્‍યા, તા.૩૦: આફ્રિકન દેશ કેન્‍યાના જાણીતા બિઝનેસમેન હસમુખ પટેલનું નિધન થયું છે. મોમ્‍બાસા સિમેન્‍ટ લિમિટેડના માલિક હસમુખ પટેલ હસુ તરીકે પણ જાણીતા હતા. મોમ્‍બાસા કાઉન્‍ટીની પ્રીમિયર હોસ્‍પિટલમાં ૨૯ ઓગસ્‍ટ ગુરૂવારના રોજ હસમુખ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારના જણાવ્‍યા મુજબ હસમુખ પટેલ બે દિવસથી અસ્‍વસ્‍થતા અનુભવતા હતા અને તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેથી તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા, પરંતુ કમનસીબે ડોક્‍ટર્સ તેમનો જીવ બચાવી શકયા નહીં. હસમુખ પટેલ જાણીતા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેઓ પોતાના પરોપકારી કાર્યોના કારણે વધારે જાણીતા બન્‍યા હતા. ૫૮ વર્ષીય બિલિયોનેર તેમની પાછળ તેમની પત્‍ની અને ત્રણ બાળકોને વિલાપ કરતાં મૂકી ગયા છે. હસમુખ પટેલ એક ઉદાર હ્રદયના વેપારી તરીકે જાણીતા હતા. હસમુખ પટેલ ફાઉન્‍ડેશન દ્વારા તેમણે દેશભરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્‍કોલરશિપ સાથે મદદ કરી છે. તેમણે પર્યાવરણીય સંરક્ષણ માટે વિવિધ ઉદ્યોગોમાં વિવિધ ચેરિટેબલ કાર્યોને પણ સમર્થન આપ્‍યું છે. હસમુખ પટેલ એક કુશળ ઉદ્યોગપતિ હતા અને કેન્‍યાના દેશના સૌથી મોટા સિમેન્‍ટ ઉત્‍પાદકોમાંના એકના સ્‍થાપક હતા. તેઓ કેન્‍યામાં કોરૂગેટેડ આયર્ન શીટ્‍સ અને યુગાન્‍ડામાં સ્‍થિત ટોરોરો સિમેન્‍ટના ડિરેક્‍ટર પણ હતા.

(4:01 PM IST)