<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અમાનતુલ્લાહની ઈડીએ કરી ધરપકડ : ૬ કલાક દરોડા બાદ કાર્યવાહી

દિલ્‍હી વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ રહીને સરકારી ગાઈડલાઈન્‍સની અવગણના કરીને નોકરી આપવાનો આરોપ

નવી દિલ્‍હી તા. ૨ : ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે ઈડીની ટીમે તેના ઘરે દરોડા પાડ્‍યા હતા. હવે અમાનતુલ્લા ખાનને ઈડી ઓફિસ લઈ જવામાં આવી રહ્યા છે. તેથી ઈડી હેડક્‍વાર્ટરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ઈડીની ટીમ આપ ધારાસભ્‍યના ઘરે ૫ કલાકથી વધુ સમય સુધી હાજર રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અમાનતુલ્લા ખાને ૨ કલાક સુધી ઘરનો દરવાજો ન ખોલ્‍યો અને ઈડી બહાર જ ઉભી રહી. જયારે અમાનતુલ્લાએ દરવાજો ખોલ્‍યો ત્‍યારે તેની ઈડી ટીમ સાથે બોલાચાલી થઈ હતી.

અમાનતુલ્લા ખાને ખુદ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ઈડીના દરોડાની માહિતી શેર કરી છે. દિલ્‍હી વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ રહીને અમાનતુલ્લા પર સરકારી ગાઈડલાઈન્‍સની અવગણના કરીને નોકરી આપવાનો આરોપ છે. જો કે બીજી તરફ અમાનતુલ્લા આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે. અમાનતુલ્લાએ X પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મને અને AAP નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે?

અમાનતુલ્લાએ આરોપ લગાવ્‍યો, ‘તેમનો ઉદ્દેશ્‍ય અમારૂં કામ રોકવાનો છે અને આ લોકો છેલ્લા બે વર્ષથી મને હેરાન કરી રહ્યા છે અને અમારી વિરૂદ્ધ ખોટા કેસ પણ દાખલ કરી રહ્યા છે. દિલ્‍હીના સીએમ કેજરીવાલ જેલમાં છે, સત્‍યેન્‍દ્ર જૈન પણ જેલમાં છે અને હવે તેમનો ઉદ્દેશ્‍ય અમારી પાર્ટીને તોડવાનો છે, તેથી તેઓ મારી પણ ધરપકડ કરવા આવ્‍યા છે. કોઈએ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, હું અને મારી પાર્ટી લોકોના તમામ કામો કરાવીશું. અમે જેલમાં જવા તૈયાર છીએ. અમને આશા છે કે અમને કોર્ટમાંથી જલ્‍દી ન્‍યાય મળશે.

સાંસદ બંસુરી સ્‍વરાજે આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનના ઘરે EDના દરોડા અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે ખાન પર લોક કલ્‍યાણ ભંડોળનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્‍યો છે. નવી દિલ્‍હીના બીજેપી સાંસદ બંસુરી સ્‍વરાજે અમાતુલ્લા ખાનના ઘર પર EDના દરોડાને યોગ્‍ય ઠેરવતા કહ્યું કે, ‘અમાનતુલ્લા ખાન પર ખૂબ જ ગંભીર આરોપો છે. જયારે તેઓ વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ હતા ત્‍યારે તેમણે નોકરી માટે ગેરકાયદેસર રીતે લોકોની ભરતી કરી હતી. ‘તેઓએ જાહેર કલ્‍યાણ માટે ઉપયોગમાં લેવાતા નાણાંની ઉચાપત કરી અને તે નાણાંનો દુરુપયોગ કર્યો.'

AAP ધારાસભ્‍યે વધુમાં કહ્યું કે, જો તમે ધરપકડ કરવા નથી આવ્‍યા તો શા માટે આવ્‍યા છો. અમાનતુલ્લાની પત્‍નીએ પૂછ્‍યું, ત્રણ રૂમના ઘરમાં શું શોધી રહ્યા છો? ધારાસભ્‍યએ કહ્યું, મને કહો કે તમે શું શોધી રહ્યા છો, મારા ઘરમાં ખર્ચના પૈસા નથી. અમાનતુલ્લા ખાનની પત્‍નીએ કહ્યું, તેની માતાને કેન્‍સર છે અને તેનું ઓપરેશન થયું છે, તેણે વધુમાં કહ્યું, જો મારી માતાને કંઈ થશે તો હું તને કોર્ટમાં લઈ જઈશ.

જયારે દિલ્‍હીના પૂર્વ ઉપમુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ EDના દરોડા પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ED માટે આ એક માત્ર કામ બાકી છે. ભાજપ વિરૂદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દઈએ તેને તોડી નાખો.

(4:10 PM IST)