News of Tuesday, 3rd September 2024
IPO લિસ્ટ થયાના ૧ સપ્તાહની અંદર ૫૪% શેર વેંચી નાખે છે રોકાણકાર
સેબીનો અભ્યાસ : રોકાણકારો માટે IPO બન્યો ‘સપ્તાહનો ખેલ'

નવી દિલ્હી, તા.૩: IPOમાં રોકાણ કરનારા રોકાણકારો (એન્કર એટલે કે મોટા રોકાણકારો સિવાય) તેમના લિસ્ટિંગમાં પ્રાપ્ત થયેલા ૫૪% શેર (મૂલ્યની દ્રષ્ટિએ) એક સપ્તાહની અંદર વેચી દે છે. અને લિસ્ટિંગના એક વર્ષમાં આ સંખ્યા ૭૦% સુધી પહોંચી જાય છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના અભ્યાસમાં આ વાત સામે આવી છે. સેબીના અભ્યાસ મુજબ, રોકાણકારોએ સૌપ્રથમ તે શેર્સ વેચ્યા જેનું મૂલ્ય વધ્યું અને જેનું મૂલ્ય ઘટયું તેને પકડી રાખ્યું. સેબીએ આ અભ્યાસ એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે કર્યો હતો. આમાં, માર્કેટ રેગ્યુલેટરે ૧૪૪ મેઇનબોર્ડ IPO પર રોકાણકારોના વર્તનનો અભ્યાસ કર્યો. IPOમાં રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી અને મોટી સંખ્યામાં બિડને ધ્યાનમાં રાખીને સેબીએ આ અભ્યાસ હાથ ધર્યો છે.
સેબીના અભ્યાસ મુજબ, વ્યક્તિગત રોકાણકારોએ લિસ્ટિંગના એક સપ્તાહની અંદર (મૂલ્યની દ્રષ્ટિએ) મેળવેલા ૫૦.૨% શેર વેચ્યા હતા. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) એ ૬૩.૩% શેર વેચ્યા અને છૂટક રોકાણકારોએ ૪૨.૭% શેર વેચ્યા. રસપ્રદ વાત એ છે કે, વ્યક્તિગત રોકાણકારોએ એક વર્ષમાં મૂલ્ય પ્રમાણે ૭૦% શેર વેચ્યા હતા.
મ્યુચ્યુઅલ ફંડની વ્યૂહરચના શું છે?
મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળા માટે IPO શેર્સમાં રોકાણ કરે છે, જ્યારે બેન્કો તેને ઝડપથી વેચે છે. મ્યુચ્યુઅલ ફંડ્સે એક સપ્તાહની અંદર લગભગ ૩.૩% વેચાણ કર્યું, જ્યારે બેંકોએ ૭૯.૮% વેચ્યું.
અભ્યાસ મુજબ, વેચાણ પર વળતરની અસર જોવા મળી હતી. જ્યારે એક સપ્તાહની અંદર IPO નું વળતર ૨૦% ને વટાવી ગયું, ત્યારે છૂટક રોકાણકારોએ મૂલ્ય પ્રમાણે ૬૭.૬% શેર વેચ્યા. તેનાથી વિપરીત, જ્યારે વળતર નકારાત્મક હતું, ત્યારે રોકાણકારોએ મૂલ્ય દ્વારા માત્ર ૨૩.૩% શેર વેચ્યા હતા.
IPO સહભાગિતામાં વધારો ડીમેટ ખાતાની વધેલી સંખ્યાના આધારે જોઈ શકાય છે. અભ્યાસ મુજબ, એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે IPO માટે અરજી કરનારા લગભગ અડધા ડીમેટ ખાતા કોવિડ પછીના સમયગાળા ૨૦૨૧-૨૦૨૩ દરમિયાન ખોલવામાં આવ્યા હતા.
કયા રાજ્યમાં વધુ ભાગીદારી છે?
રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાંથી છૂટક રોકાણકારોને ફાળવણીના ૩૯.૩% મળ્યા હતા. આ પછી મહારાષ્ટ્ર (૧૩.૫%) અને રાજસ્થાન (૧૦.૫%) આવે છે. તમને જણાવી દઈએ કે આ અભ્યાસ એપ્રિલ ૨૦૨૧ થી ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૪૪ મેઈનબોર્ડ આઈપીઓ પર રોકાણકારોના વર્તનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
