<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

વેબ સિરીઝ ધ કંધાર હાઇજેકમાં વાંધાજનક કોન્‍ટેન્‍ટ ફેરફાર કરવા નેટફલિકસ તૈયાર

માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સમન્‍સ જારી કર્યા બાદ વિવાદ મુદ્દે ચર્ચા બાદ વેબ સિરીઝમાં ફેરફાર કરવા તૈયારી

મુંબઇ, તા. ૩ : વેબ સિરીઝ  'IC 814: The Kandahar Hijack' પર ભારે હોબાળો થયા બાદ, OTT પ્‍લેટફોર્મ Netflix શોના વાંધાજનક કોન્‍ટેન્‍ટમાં ફેરફાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ સિરીઝમાં આતંકવાદીઓના નામ ભોલા અને શંકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સિરીઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફિ્‌લક્‍સ ઇન્‍ડિયાના કન્‍ટેન્‍ટ હેડને સમન્‍સ જારી કરીને હાજર થવા માટે કહ્યું હતું. આજે Netflixના હેડ મોનિકા શેરગિલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફિ્‌લક્‍સ ઈન્‍ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન, Netflix દ્વારા કેન્‍દ્ર સરકારને કહેવામાં આવ્‍યું કે તેઓ વેબ સિરીઝ 'IC 814: The Kandahar Hijack'ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. એ પણ ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્‍યમાં નેટફિ્‌લક્‍સ પર જે પણ ફિલ્‍મો કે વેબ સિરીઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

'IC 814 ધ કંધાર હાઇજેક અનુભવ સિન્‍હા દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવી છે. આ સિરીઝને નેટફિ્‌લક્‍સ પર ૨૯ ઓગસ્‍ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. સિરીઝમાં ૬ એપિસોડ છે. તે ૧૯૯૯માં થયેલી કંધાર પ્‍લેન હાઇજેકની ઘટના પર આધારિત છે. એમ તો આ સિરીઝમાં બધું બરાબર છે, પરંતુ આ સિરીઝમાં બતાવવામાં આવેલા બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ પ્‍લેનને પાંચ આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવ્‍યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના કોડ નેમ રાખ્‍યા હતા. તેમના નામ ભોલા, શંકર, ડોક્‍ટર, બર્ગર અને ચીફ હતા.

સિરીઝ રીલીઝ થયા પછી આતંકવાદીઓના નામ ભોલા અને શંકર રાખવાને લઈને બબાલ થઈ. સોશિયલ મીડિયા પર લોકોએ તેમના પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્‍યો. સિરીઝના નિર્માતાઓની સાથે નેટફિ્‌લક્‍સ પર પણ ગુસ્‍સો ઠાલવવામાં આવ્‍યો. તેના પર બેન લગાવવાની માંગ સાથે ટ્રેન્‍ડ ચલાવવામાં આવ્‍યો. વિવાદ પછી, સરકારે Netflix હેડને બોલાવ્‍યા અને હવે OTT પ્‍લેટફોર્મ આ સિરીઝમાં ફેરફારો કરવા માટે તૈયાર છે. આ સિરીઝમાં વિજય વર્મા, પત્રલેખા, પંકજ કપૂર અને નસીરુદ્દીન શાહ જેવા સ્‍ટાર્સ જોવા મળે છે.

(4:41 PM IST)