<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી હૃદયદ્રાવક ઘટના : બહેનનું ગળું દબાવી, ટુકડા કરી નદીમાં ફેંકી દીધા :ભાઈ મિલકત ખાતર રાક્ષસ બન્યો

પુણે ઓનર કિલિંગનો આ રીતે ભેદ ઉકેલાયો : કોર્ટે આરોપીને 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો : મૃતક મહિલાની ભાભીએ ગુનાને અંજામ આપવામાં મદદ કરી

મુંબઈ તા.૩ :  મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ભાઈ અને ભાભીએ મળીને મહિલાની ઘાતકી હત્યા કરી લાશના ટુકડા કરી નદીમાં ફેંકી દીધા હતા. તાજેતરમાં ખરાડી વિસ્તારમાં નદીના કિનારેથી મૃતકની માથા અને હાથ-પગ વગરની લાશ મળી આવી હતી. જે બાદ પુણે પોલીસે આકરી મહેનત બાદ આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું કે આ હત્યા કેસમાં મુખ્ય આરોપી મહિલાનો ભાઈ છે, જ્યારે તેની પત્ની (મૃતક મહિલાની ભાભી)એ આ ગુનાને અંજામ આપવામાં મદદ કરી હતી. પુણે શહેર પોલીસે બંનેની ધરપકડ કરી છે.

આરોપીઓની ઓળખ અશપાક અબ્દુલ ખાન (51) અને તેની પત્ની હમીદા અશપાક ખાન (45) તરીકે થઈ છે. બંને આરોપીઓ શિવાજીનગરમાં નરવીર તાનાજી વાડીના રહેવાસી છે. જ્યારે મૃતકનું નામ સકીના અબ્દુલ ખાન છે. 48 વર્ષની સકીના ઘરેલુ નોકર તરીકે કામ કરતી હતી.  

26 ઓગસ્ટે પોલીસે ખરાડીમાં વોટરફ્રન્ટ સોસાયટી નજીકથી સકીનાનું ધડ કબજે કર્યું હતું. તપાસ દરમિયાન, પોલીસે 1 ઓગસ્ટથી પુણે શહેર, પિંપરી-ચિંચવડ અને પુણે ગ્રામીણ પોલીસ દ્વારા નોંધાયેલી લગભગ 200 ગુમ ફરિયાદોની તપાસ કરી.

મૃતદેહનો ભેદ ઉકેલવા પુણે પોલીસની કુલ 100 પોલીસકર્મીઓની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે મૃતદેહની માહિતી મેળવવા માટે ડ્રોન, વોટર બોટ અને સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી. પોલીસ ટીમે સિંચાઈ વિભાગ, ખડકવાસલા ડેમના અધિકારીઓને પણ તપાસમાં સામેલ કર્યા હતા, પરંતુ કોઈ માહિતી મળી શકી ન હતી. દરમિયાન, પોલીસ કમિશનરે મૃતક વિશે માહિતી આપનારને રોકડ ઈનામની પણ જાહેરાત કરી હતી.

 

દરમિયાન પોલીસને સકીના વિશે બાતમી મળી હતી. સકીના 23 ઓગસ્ટથી ગુમ હતી. ટીપના આધારે પોલીસ જ્યારે આરોપી સુધી પહોંચી તો તેણે અસ્પષ્ટ જવાબો આપવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન મળી આવેલા ધડની ઓળખ આરોપીની બહેન સકીના તરીકે થઈ હતી.

જોઈન્ટ પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું કે આશાપક અને સકીના ભાઈ-બહેન હતા, બંને તેમના પૈતૃક મકાનમાં રહેતા હતા. આ ઘરને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘર સકીનાનું છે અને અશપાક તેના પર ઘર તેના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરી રહ્યો હતો. પરંતુ સકીના આમ કરવા તૈયાર ન હતી.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ભાઈ-બહેન વચ્ચે ઘરને લઈને ઝઘડો ચાલતો હતો. જેના કારણે 23 ઓગસ્ટની રાત્રે આશાપાકે તેની બહેન સકીના પર હુમલો કર્યો અને દોરડા વડે તેનું ગળું દબાવી દીધું. સકીનાની હત્યામાં હમીદાએ તેના પતિ અશપાકની મદદ કરી હતી. બાદમાં બંનેએ શૌચાલય પાસે તિક્ષ્ણ હથિયાર વડે સકીનાની લાશ કાપીને નદીમાં ફેંકી દીધી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પોલીસની ટીમ શરીરના બાકીના ભાગોને શોધી રહી છે. પોલીસે જણાવ્યું કે આશાપક ગેરેજ મિકેનિક છે અને રાત્રે ચોકીદારી પણ કરતો હતો. તેના બાળકો અભ્યાસ માટે શહેરની બહાર છે. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. સ્થાનિક કોર્ટે આરોપીને 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

(2:57 PM IST)