<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કેવડાત્રીજ, ગણેશચતુર્થી, ઋષિપાંચમ શુક્રથી રવિ તહેવારોનો ત્રિવેણી સંગમ

સૌભાગ્‍યવતી અને વિધવા બહેનો પરિવારના સારા ભાગ્‍ય માટે કેવડાત્રીજનું વ્રત રાખે છે : પાપમાંથી મુકિત મેળવવા માટે લોકો ઋષિ પાચમે ઉપવાસ કરે છે

મુંબઇ,તા. ૪: હિન્‍દુ સમુદાયમાં દિવાસાના વત બાદથી તહેવારોની હારમાળાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી શુક્રવારથી રવિવાર સુધી ત્રણ તહેવારોનો ત્રિવેણી સંગમ થતાં કેવડાત્રીજ, ગણેશ ચતુર્થી અને ઋષિ પાંચમનો સંયોગ થયો છે. શુક્રવારે કેવડાત્રીજે સૌભાગ્‍યવતી અને વિધવા બહેનો પરિવારની સુખાકારી અને સારા ભાગ્‍ય માટે વ્રત રાખશે. શનિવારે સુરતવાસીઓ ગણેશ ચતુર્થીએ ઘરે ઘરે બાપાની આગમન સાથે સ્‍થાપના કરશે અને રવિવારે ઋષિ પાંચમ પર લોકો પાપોના નાશ માટે અને દેવલોક પામેલા વ્‍યક્‍તિની આત્‍માની શાંતિ માટે પાચમે સપ્તર્ષિને યાદ કરીને ઉપવાસ રાખશે.

હિન્‍દુ સંસ્‍કૃતિમાં તહેવારોને વધારે પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. સુરતવાસીઓ તમામ હિન્‍દુ તહેવારોને ધામધૂમથી ઉજવે છે. આગામી શુક્રવારથી રવિવાર સુધી ત્રણ તહેવારોની હારમાળા સાથે તહેવારોનો ત્રિવેણી સંગમ થયો છે. શુક્રવારે કેવડાત્રીજનો તહેવાર સૌભાગ્‍યવતી અને વિધવા બહેનો માટે પોતાના પતિ. સંતાન અને પરિવારના સારા ભાગ્‍ય માટે ઉપવાસ રહેવાનો અવસર હોય છે. તમામ બહેનો આખો દિવસ ઉપવાસ રાખીને શિવ- પાર્વતીની પૂજા-અર્ચના કરશે અને પરિવારના સારા ભાગ્‍ય માટેની કામના કરશે. ભવિષ્‍યપુરાણમાં જણાવ્‍યું કે, પાર્વતીના પિતાને તેની દિકરીના લગ્ન વિષ્‍ણુ ભગવાન સાથે કરવાની ઈચ્‍છા હતી, ત્‍યારે પાર્વતી માતાને શિવજી સાથે વરવું હતું. તેથી સારી કામના માટે પાર્વતી માતાએ કેવડાના વનમાં જઈને શિવજીને પૂજા કેવડું અર્પણ કરીને કરી હતી. ત્‍યારથી આ વ્રતને કેવડાત્રીજ વ્રત કહેવાય છે.

કેવડા ત્રીજ પછીના બીજા દિવસે ભાદરવી ચોથના મધ્‍ય કાળમાં ગણેશજીનો જન્‍મ થયો હતો. જેથી ગણેશ ચોથના દિવસે શહેરના લોકો ગણેશજીની સ્‍થાપના પોતાના ઘરે કરીને દસ દિવસ બાપની પૂજા-અર્ચના કરે છે. રવિવારે ઋષિ પાચમ પણ આવતી હોય આ પાવનના અવસરે દરેક વર્ગ લોકો પરિવારની શાંતિ, થયેલા પાપોના ધોવાણ માટે સપ્તરીશીને યાદ કરીને ઉપવાસ રાખશે. ઋષિ પાંચમના અવસરે કોઈ પરિવારના સદસ્‍યનું મરણ થયું હોય તો તેની આત્‍માની શાંતિ અને પુણ્‍ય પ્રાપ્તિ માટે પરિવારના સદસ્‍યો દ્રારા મૃતકના અર્થે ઉપવાસ રાખે છે. જેથી દેવલોક પામેલા વ્‍યક્‍તિને આત્‍માની શાંતિ અને પુણ્‍યની પ્રાપ્તિ થાય છે. (૨૨.૨)

ગણેશ ચોથને શિવાચતુર્થી પણ કહેવાય

ભવિષ્‍ય પુરાણમાં ગણેશ ચોથને શિવાચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે સૌભાગ્‍યવતી બહેનો સાસુ-સસરા, માતા-પિતા અને ઘરના વડીલોને ફરસાણ, માલપુડા અને મીઠાઈ સહિતનું ભોજન કરાવીને તેઓને તૃપ્ત કરે તો તેઓનું જીવનમાં વૃદ્ધિ થાય છે.

 

(9:57 AM IST)