હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આરોગ્ય વીમા પર GST : ફિટમેન્ટ કમિટી ૪ વિકલ્પો સૂચવી શકે છે
૯ સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે : વિભાગ કર દર ઘટાડીને આરોગ્ય વીમાને સુલભ અને સસ્તું બનાવવા માંગે છે

નવી દિલ્હી, તા.૬: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની સોમવારે મૃનારી બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમા પર ટેક્સના મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે. આના કારણે સરકારી તિજોરીને ૬.૫ અબજથી ૩૫ અબજ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કાઉન્સિલ દ્વારા નામાંકિત કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટીએ આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસે તેના પર ટેક્સના દર ઘટાડવાની વિનંતી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. વિભાગ કર દર ઘટાડીને આરોગ્ય વીમાને સુલભ અને સસ્તું બનાવવા માંગે છે.
વિકાસથી વાકેફ અધિકારીઓએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે ફિટમેન્ટ કમિટી આ સંદર્ભમાં વિગતવાર અહેવાલ સુપરત કરે તેવી શકયતા છે. આમાં, તમામ આરોગ્ય વીમા પ્રિમીયમ અને રિઇન્શ્યોરર્સ માટે GSTમાંથી સંપૂર્ણ મુક્તિ અને સ્વાસ્થ્ય વીમા સેવાઓ પર વર્તમાન GST દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા સહિત ચાર વિકલ્પો સૂચવવામાં આવી શકે છે.
અન્ય બે વિકલ્પોમાં વરિષ્ઠ નાગરિકો અને રૂ. ૫ લાખ સુધીના વીમા કવર્સ માટેના પ્રીમિયમ પર GST મુક્તિ અથવા વરિષ્ઠ નાગરિકો દ્વારા પહેલેથી જ ચૂકવવામાં આવેલા પ્રિમિયમમાં જ મુક્તિનો સમાવેશ થાય છે.
આ ચાર વિકલ્પો સરકારી તિજોરી પર અનુક્રમે રૂ. ૩,૪૯૫ કરોડ, રૂ. ૧,૭૩૦ કરોડ, રૂ. ૨,૧૧૦ કરોડ અને રૂ. ૬૪૫ કરોડનો બોજ લાદી શકે છે. એવું માનવામાં આવે છે કે સમિતિએ આ બાબતે નિર્ણય લેવાનું કાઉન્સિલ પર છોડી દીધું છે.
જીવન વીમા પ્રિમીયમ પર GSTમાંથી મુક્તિના સંદર્ભમાં, સમિતિએ માત્ર શુદ્ધ મુદતની વ્યક્તિગત જીવન પૉલિસીઓ અને રિઇન્શ્યોરર્સ માટે જ મુક્તિની ભલામણ કરી છે. તેનાથી સરકારને ૨૧૩ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે. જો કે, સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે જીવન વીમામાં ઉપલબ્ધ કોઈપણ કર મુક્તિનો લાભ વીમા કંપનીઓ દ્વારા પોલિસીધારકોને આપવામાં આવે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાણાકીય સેવાઓ વિભાગના ડેટાને ટાંકીને સમિતિએ જણાવ્યું હતું કે ભારતમાં કુલ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ આશરે રૂ. ૯૦,૦૩૨ કરોડ છે. આમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા સેગમેન્ટનો હિસ્સો રૂ. ૩૫,૩૦૦ કરોડ (કુલ સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમના ૩૯.૨૧ ટકા) છે. ૧૮ ટકાના વર્તમાન દરે વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમમાંથી કુલ રૂ. ૬,૩૫૪ કરોડનો GST એકત્ર કરવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓના વિભાગે GSTમાં ઘટાડો કરવાની માંગ કરતા કહ્યું કે ટેક્સ દર ઘટાડવાથી પ્રીમિયમની કિંમતમાં ઘટાડો થશે જે લોકોને સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે અને દેશમાં સ્વાસ્થ્ય વીમાની પહોંચ વધારવામાં પણ મદદ કરશે.
વિભાગનું માનવું છે કે આ પગલાથી વીમો લેનારા લોકોની સંખ્યામાં વધારો થશે, જે GST આવકમાં પ્રારંભિક તંગીની ભરપાઈ કરશે. આ પગલું દરેક નાગરિકને ન્યૂનતમ સામાજિક કવરેજ આપવાના કેન્દ્ર સરકારના -યાસને અનુરૂપ છે અને ૨૦૪૭ સુધીમાં ‘બધા માટે વીમો'ના વિઝનને અનુરૂપ છે.
૭ ઓગસ્ટે ફાઇનાન્સ બિલ ૨૦૨૪માં સુધારા પર ચર્ચાનો જવાબ આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું અહીં બે મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરવા માગું છું - GST લાગુ થયા પહેલાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ પર ટેક્સ લાગતો હતો. આ કોઈ નવો મુદ્દો નથી, તે પહેલાથી જ તમામ રાજ્યોમાં હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
