<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વિદેશી રોકાણ આવવાથી શેરબજારમાં આવશે તેજી

ઇમર્જીંગ માર્કેટમાં ભારતનું વજન વધ્‍યું : ઇમર્જીંગ માર્કેટમાં ચીનને પાછળ રાખવાથી નજીક પહોંચ્‍યું ભારત

મુંબઇ તા. ૬ : ભારત ટુંક સમયમાં જ એમએસસીઆઇ ઇમર્જીંગ માર્કેટસ ઇન્‍ડેક્ષ એટલે કે મુખ્‍ય ઉભરતા બજારોના સૂચકાંકોમાં ચીનને પાછળ રાખી શકે છે. ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેંક મોર્ગન સ્‍ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું આનાથી વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ માટે વધુ આકર્ષિત થશે અને તેનાથી ભારતીય શેરબજારમાં વધુ તેજી આવશે. મોર્ગન સ્‍ટેનલીનું કહેવું છે કે વૈશ્વિક સ્‍તર પર પહેલાથી જ ભારતીય બજાર સૌથી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે આ બુલ રન હજુ અડધું જ છે અને નાના - નાના કરેકશનો વચ્‍ચે ભારતીય શેરબજાર નવી ઉંચાઇએ પહોંચવા તૈયાર છે.

ઇમર્જીંગ માર્કેટસ ઇન્‍ડેક્ષમાં ભારતનું વેઇટેજ ઓગષ્‍ટમાં ફેરફાર પછી વધીને ૧૯.૮ ટકા થઇ ગયું જ્‍યારે ચીનનું વેઇટેજ ઘટીને ૨૪.૨ ટકા થઇ ગયું છે. ભારતનું વેઇટેજ ડીસેમ્‍બર ૨૦૨૦થી ૯.૨ ટકાથી સતત વધી રહ્યું છે, જ્‍યારે ચીનનું વેઇટેજ ૩૯.૧ ટકાથી ઘણું ઘટી ગયું છે. મોર્ગન સ્‍ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, વેઇટેજમાં વધારાનો અર્થ એ છે કે વિદેશી મૂડીનું રોકાણ વધશે.

મોર્ગન સ્‍ટેનલીના વિશ્‍લેષક રિધમ દેસાઇએ કહ્યું કે ભારતીય શેરબજારમાં કોઇ પણ કરેકશન બહુ હળવું હશે. બજારમાં તેજી ચાલુ રહેશે કેમકે ફિસ્‍કલ કોન્‍સોલીડેશન પ્રાઇવેટ ઉધાર અને ખર્ચને પ્રોત્‍સાહન આપશે, જેનાથી આવકમાં વૃધ્‍ધિના આગલા તબક્કાની શરૂઆત થશે અને વિદેશી રોકાણમાં વધારો થશે. અમારૂં માનવું છે કે, ભારતીય શેરબજાર માટે તેજીનું શિખર આવવાનું હજું બાકી છે.

 

(3:36 PM IST)