<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

હોંગકોંગ બાદ શક્તિશાળી વાવાઝોડુ 'યાગી ' ચીનના દ્વીપ પ્રાંત હૈનાન પર ત્રાટક્યું :245 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાયો

પડોશી પ્રાંત ગુઆંગડોંગ પ્રાંતમાં જુવેન કાઉન્ટીમાં રાત્રે બીજી વખત લેન્ડફોલ કરશે:હેનાનમાં લગભગ 420,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા : ગુઆંગસીના કિંગઝોઉ શહેરમાં તોફાનને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જારી

હોંગકોંગ બાદ હવે ખૂબ જ શક્તિશાળી વાવાઝોડુ 'યાગી (Yagi)' શુક્રવારે ચીનના દ્વીપ પ્રાંત હૈનાન પર ત્રાટક્યું છે. તેને લીધે સ્થાનિક જનજીવનને ભારે નુકસાન થયું છે.

હૈનોન પ્રાંતના મૌસમ વિભાગના જણાવ્યા પ્રમાણે યાગી વાવાઝોડુને લીધે આશરે 245 કિમી પ્રતી કલાક ઝડપથી પવન ફૂંકાયો હતો.

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે યાગી શરદ ઋતુમાં ચીનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેમણે આગાહી કરી હતી કે તે પડોશી પ્રાંત ગુઆંગડોંગ પ્રાંતમાં જુવેન કાઉન્ટીમાં શુક્રવારે રાત્રે બીજી વખત લેન્ડફોલ કરશે.

ચીનની સરકારી સમાચાર એજન્સી 'શિન્હુઆ'ના સમાચાર અનુસાર, હેનાનમાં લગભગ 420,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. લોકોએ સંભવિત પૂરથી બચવા માટે ઇમારતોની બહાર રેતીની થેલીઓ લગાવી દીધી છે અને પોતાના ઘરની બારીઓ ઢાંકી દીધી છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બુધવારે સાંજથી પ્રાંતના કેટલાક ભાગોમાં વર્ગો, કચેરીઓ, પરિવહન અને વ્યવસાયો બંધ છે. કેટલાક પ્રવાસી કેન્દ્રો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ટાપુના ત્રણ એરપોર્ટ પરથી ચાલતી ફ્લાઈટ્સ પણ શુક્રવારે રદ થવાની શક્યતા છે. રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, ગુઆંગસીના કિંગઝોઉ શહેરમાં તોફાનને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

(9:51 PM IST)