<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

હવે માત્ર છ મહિનામાં ટીબીની અસરકારક સારવાર શક્ય બનશે: કેન્દ્ર સરકારે નવી પદ્ધતિને આપી મંજૂરી

ભારતમાં 75,000 MDR-TB દર્દીઓ આ સારવાર પદ્ધતિથી લાભ મેળવી શકશે.

નવી દિલ્હી :હવે માત્ર છ મહિનામાં ટીબીની અસરકારક સારવાર શક્ય બનશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR-TB) માટે સારવારની નવી પદ્ધતિને મંજૂરી આપી છે.

આ સારવાર પ્રીટોમાનિડ નામની નવી એન્ટિ-ટીબી દવાને બેડાક્વિલિન અને લાઇનઝોલિડ (મોક્સિફ્લોક્સાસીન સાથે અથવા વગર) સાથે જોડે છે.

ભારતમાં 75,000 MDR-TB દર્દીઓ આ સારવાર પદ્ધતિથી લાભ મેળવી શકશે. હાલમાં, MDR-TB માટે પરંપરાગત સારવાર 20 મહિના સુધી ચાલે છે. તેની આડઅસર પણ દેખાઈ શકે છે.

મંત્રાલયે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) હેઠળ ટીબી માટે અત્યંત અસરકારક સારવાર 'BPALM'ને મંજૂરી આપી છે. 'BPALM' પદ્ધતિમાં ચાર દવાઓ - પ્રીટોમેનિડ, બેડાક્વિલિન અને લાઇનઝોલિડ અને મોક્સિફ્લોક્સાસીનનો સમાવેશ થાય છે.

તે જૂની MDR-TB સારવાર પદ્ધતિ કરતાં સલામત અને વધુ અસરકારક છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા ભારતમાં ઉપયોગ માટે 'પ્રીટોમેનિડ' પહેલેથી જ મંજૂર અને લાઇસન્સ આપવામાં આવ્યું છે.

BPALM પદ્ધતિ તદ્દન અસરકારક છે. તે માત્ર છ મહિનામાં MDR-TBનો ઈલાજ કરી શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આરોગ્ય સંશોધન વિભાગ સાથે પરામર્શ કર્યા પછી ટીબી માટે આ નવી સારવારને મંજૂરી આપી છે.

મંજૂરી આપતા પહેલા, આ સારવારની સમગ્ર દેશના નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ ભારતે 2025 સુધીમાં ટીબીથી મુક્ત થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

(12:36 AM IST)