<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અદાણી ગ્રુપ મહારાષ્ટ્રમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે: 83 હજાર કરોડનુ કરશે રોકાણ

મહારાષ્ટ્રના મુખ્યંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે આ યુનિટમાં પ્રારંભમાં 40 હજાર વેફર્સનું ઉત્પાદન કરવામાં આવશે

મુંબઈ : દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળ અદાણી ગ્રુપ અને ઈઝરાયેલની ટાવર સેમીકન્ડક્ટર (Tower semiconductor) મહારાષ્ટ્રમાં 10 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 83 હજાર કરોડના રોકાણથી સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી હતી.

ભારત વૈશ્વિક ચીપ કંપનીઓને દેશમાં તેમના ઉત્પાદન યુનિટ્સ સ્થાપવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે. વડાપ્રધાન મોદી દેશને વિશ્વનું ચીપમેકર હબ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ વર્તમાન સમયમાં પોર્ટ, ટ્રાન્સમિશન, સિમેન્ટ અને કોલસાના કારોબાર સાથે સંકળાયેલ છે અને ચીપ ઉત્પાદનમાં આગમન તે ગ્રુપનો તદ્દન નવો અનુભવ રહેશે. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે આ યુનિટમાં પ્રારંભમાં 40 હજાર વેફર્સનું ઉત્પાદન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના જુલાઈ મહિનામાં ભારતની કંપની વેદાંતા લિમિટેડ સાથે તાઈવાનની ફોક્સકોને 19.5 અબજ ડોલરના સેમીકન્ડક્ટર જોઈન્ટ વેંચરમાંથી પીછેહઠ કરી હતી.

આ ઉપરાંત અબુધાબી સ્થિત નેક્સ્ટ આર્બિટન વેંચર્સ અને ટાવર સેમીકન્ડક્ટર ભારતમાં ત્રણ અબજ ડોલરના રોકાણથી એક સાહસની જાહેરાત કરી હતી. જોકે બાદમાં આ યોજના ઠપ્પ થઈ ગઈ હતી. અલબત શરૂઆતીમાં અસફળતા વચ્ચે પણ ભારતને આશા છે કે વર્ષ 2026 સુધીમાં તેનું સેમીકન્ડક્ટર માર્કેટ 63 અબજ ડોલરનું થઈ જશે.

(12:41 AM IST)