<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ઓડિશામાં પાંચ વર્ષમાં 572 આદિવાસી છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થયોઃ મંત્રી નિત્યાનંદ ગોંડ

રાજ્યમાં પાંચ વર્ષમાં 572 આદિવાસી છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થયો તેમાંથી 32 કેસમાં સુનાવણી પૂર્ણ થઈ જ્યારે 509 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હી : દેશમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે, તેનાથી લાગે છે કે મહિલાઓની સુરક્ષા જોખમમાં છે. ઓડિશાના એક મંત્રીએ મહિલાઓની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઓડિશા રાજ્યના અનુસૂચિત જાતિ-જનજાતિ વિકાસ મંત્રી નિત્યાનંદ ગોંડે માહિતી આપી હતી કે રાજ્યમાં આદિવાસી છોકરીઓ સુરક્ષિત નથી. ગોંડે રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 572 આદિવાસી છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થયો છે.

આ ખુલાસો ત્યારે થયો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય તારા પ્રસાદ બહિનીપતિએ એક પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં ગોંડે લેખિત જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 572 આદિવાસી છોકરીઓ પર બળાત્કાર થયો છે. આ કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. જેમાંથી 32 કેસમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 509 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ગોંડે વધુમાં જણાવ્યું હતું કે 31 કેસની તપાસ હજુ ચાલુ છે. 

રિપોર્ટ અનુસાર, ભારતમાં દર કલાકે 3 મહિલા બળાત્કારનો શિકાર બને છે, એટલે કે દર 20 મિનિટે 1 મહિલા. દેશમાં બળાત્કારના કેસમાં 96%થી વધુ આરોપીઓ પીડિતાના પરિચિત છે. જો ન્યાયની વાત કરીએ તો બળાત્કારના કેસમાં 100માંથી માત્ર 27 આરોપીઓને જ સજા થાય છે. આ આંકડા દર્શાવે છે કે દેશમાં બળાત્કાર જેવા મામલાઓ માટે કડક કાયદા હોવા છતાં ન તો બળાત્કારના મામલા ઘટી રહ્યા છે અને ન તો દોષિત ઠેરવવાનો દર વધી રહ્યો છે.

(1:04 AM IST)