તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 7th September 2024
કેનેડા સરકાર સ્ટુડન્ટ વીઝામાં પારદર્શિતા લાવે અને પ્રક્રિયા ઝડપી બનાવે : ભારતની સ્પષ્ટ વાત
ટ્રુડો સરકારનો કાન પકડતી ભારત સરકાર

નવી દિલ્હી તા. ૭ : બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. કેનેડાએ આ હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી અને ત્યારબાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. જોકે, હવે ભારતે કેનેડાને તેની ઈકોનોમીમાં તેમની પસંદગી અને યોગદાનને ધ્યાનમાં રાખીને ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું અને તેને ઝડપી બનાવવાનું જણાવ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ખાતે ૧૨મી ટ્રેડ પોલિસી રિવ્યુ ચર્ચા દરમિયાન ભારતે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા અત્યંત લોકપ્રિય દેશ છે. આ સંદર્ભમાં અને કેનેડાની ઈકોનોમીમાં ભારતીય વિદ્યાર્થીઓના યોગદાનને ધ્યાનમાં રાખતા અમે ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રોસેસમાં પારદર્શિતા લાવવાનું અને તેને ઝડપી બનાવવાનું કહીએ છીએ. કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના હાઉસિંગ, ધાકધમકી અને સલમાતી જેવા મુદ્દાઓને પણ યોગ્ય રીતે સંબોધવામાં આવવા જોઈએ. ૨૦૨૨ના ઈન્ડિયા ટૂરિસ્ટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ દ્વારા હાલમાં ઉપલબ્ધ તાજા અંદાજ મુજબ કેનેડા વિદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં બીજો સૌથી પસંદગીનો દેશ છે જેમાં ૧.૮ મિલિયન વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા.
WTOમાં તેની રજૂઆતમા, ભારતે ખાસ કરીને ટેક્સ્ટાઈલ, એપરલ, જેમ્સ એન્ડ જવેલરી અને લેધર તથા ફૂટવેર જેવા ક્ષેત્રોમાં કેનેડા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ ક્ષેત્રોમાં કેનેડા મોટે ભાગે આયાત આધારિત છે અને વિકાસશીલ દેશો મુખ્યત્વે કેનેડામાં આ માલની નિકાસ કરે છે. અમે કેનેડાને આ ક્ષેત્રો પરના ટેરિફ દરો નીચા લાવવા માટે અપીલ કરીએ છીએ. જો આવું થશે તો વેપારમાં અવરોધોમાં ઘટાડો થશે. આ ઉપરાંત કેનેડા દ્વારા મ્યુચ્યુઅલ એક્સેપ્ટેબલ સર્ટિફિકેશન પ્રક્રિયાઓમાં પ્રગતિના અભાવ અને માન્યતા આપતી સંસ્થાઓની પરસ્પર સમકક્ષતાના સ્વરૂપમાં અમુક બિન-ટેરિફ અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરવા માટે ભારત અન્ય પ્રતિનિધિમંડળમાં પણ જોડાયું હતું.
ઉદાહરણ તરીકે મત્સ્ય ઉત્પાદનોના વેપારને સરળ બનાવવા માટે, અમે લાંબા સમયથી મ્યુચ્યુઅલ એક્સેપ્ટેબલ ઝૂ-સેનિટરી સર્ટિફિકેટ્સ માટે વાટાઘાટ કરવા માટે કેનેડિયન ફૂડ ઈન્સ્પેક્શન એજન્સીને અનુસરી રહ્યા છીએ. તેવી જ રીતે કેનેડામાં વેચાતી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ કેનેડિયન ઓર્ગેનિક ધોરણો અનુસાર સીએફઆઈએ ને માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેશન સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરવાની આવશ્યકતા છે સિવાય કે તે એવા દેશમાંથી આયાત કરવામાં આવે કે જેની સાથે સીએફઆઈએ એ સમકક્ષતા કરાર કર્યો હોય. ભારતીય પક્ષ લાંબા સમયથી આ અંગે કેનેડા સાથે વાટાઘાટો કરી રહ્યું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
