તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
વધુ વરસાદથી કપાસમાં નુકસાનીઃ ઉત્પાદન ૧૦-૧૫% ઘટવાની ભીતિ
ખેડૂતો અન્ય પાક તરફ વળતાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો : ભારે વરસાદથી ૧૫-૨૫% નુકસાન થયાનો CAIનો અંદાજ

નવી દિલ્હી,તા. ૯: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે રાજયમાં, ખાસ કરીને કપાસના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI) અને ખેડૂતોના અંદાજ મુજબ, વાવેતરમાં ઘટાડો અને વરસાદથી પાકને થયેલા નુકસાનના કારણે આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૧૦-૧૫%નો ઘટાડો થવાની ભીતિ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જૂનમાં થયેલા વાવેતરને સૌથી વધારે નુકસાન થયું છે. ગુજરાત કૃષિ વિભાગના આંકડા પ્રમાણે, ૨ સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયમાં કપાસનું વાવેતર ગત વર્ષના ૨૬.૭૯ લાખ હેક્ટર કરતાં આ વર્ષે ૧૨% ઘટીને ૨૩.૬૨ લાખ હેક્ટર થયું છે. CAIના અંદાજ પ્રમાણે કોટન વર્ષ ૨૦૨૩-૨૪ માટે ગુજરાતમાં કોટનનું ૯૨ લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. વર્તમાન નુકસાનીની સંભાવના જોતાં આ વર્ષે ઉત્પાદન આના કરતાં નીચું રહેશે.
CAIના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું કે, ગુજરાતમાં જૂન મહિનામાં અંદાજે ૧૦ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. ઓગસ્ટમાં આ પાકમાં ઘણો સારો ગ્રોથ રહ્યો હતો. પરંતુ મિડ-ઓગસ્ટ પછી રાજયમાં કપાસનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાવેતરમાં ૧૫-૨૫%નું નુકસાન થયું હતું. જુલાઈ-ઓગસ્ટમાં જે વાવેતર થયું છે તેમાં છોડ નાનો છે એટલે તેમાં નુકસાની નથી. ગુજરાતની જેમ સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટયું છે. દેશમાં સરેરાશ ૧૨૫-૧૩૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા મહત્વના ઉત્પાદક રાજયોમાં વાવેતર વિસ્તાર ઓછો થવાથી દેશનું કપાસનું વાવેતર ૧૧૧ લાખ હેક્ટર પર પહોંચ્યું છે, જે ગત વર્ષે ૧૨૩ લાખ હેક્ટર હતું. (૨૨.૩)
૧૫ દિવસમાં રૂના ભાવમાં રૂ. ૨,૦૦૦નો ભાવ વધારો
કપાસના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, વરસાદ તેમજ સિઝનનો સ્ટોક પૂરો થવા ઉપર હોઈ અત્યારે કપાસ અને રૂની આવકો ઘટી રહી છે. ઓછી આવકો સામે માગ જળવાઈ રહેતા રૂના ભાવમાં છેલ્લા ૧૫ દિવસોમાં અંદાજે રૂ. ૨,૦૦૦નો વધારો થયો છે. ગુજરાતમાં બે સપ્તાહમાં જ રૂ. ૫૭,૫૦૦ વાળું રૂ અત્યારે રૂ. ૫૯.૫૦૦ પ્રતિ ખાડી (એક ખાડી ૩૫૬ કિલો)ના લેવલે પહોંચ્યું છે. રાજયમાં દૈનિક ૧,૫૦૦-૧,૭૦૦ ગાંસડીની આવકો રહે છે જયારે દેશમાં ૫,૦૦૦-૬,૦૦૦ ગાંસડીની આવકો થાય છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
