<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

કેન્‍સરની દવાઓ, નમકીન અને ધાર્મિક યાત્રા માટેના હેલિકોપ્‍ટર પ્રવાસ પરના GSTમાં ઘટાડો

 

નવી દિલ્‍હી,તા. ૧૦: ગુડ્‍સ એન્‍ડ સર્વિસિસ ટેક્‍સ (GST) કાઉન્‍સિલની ૫૪મી બેઠકમાં કેન્‍સરની દવાઓ પરનો GST બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નમકીન અને સ્‍વાદિષ્ટ ફૂડ આઇટમો પરનો GST પણ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ સિવાય કેદારનાથ કે પછી વૈષ્‍ણોદેવી હેલિકોપ્‍ટર દ્વારા જવા માગતા લોકોને પણ રાહત આપવામાં આવી છે, ધાર્મિક યાત્રા માટે હેલિકોપ્‍ટરના પ્રવાસ પરનો GST ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્‍યો છે. સરકાર સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્‍થાઓને સપ્‍લાય અને રિસર્ચ સર્વિસિસ માટે કોઈ GST નહીં રાખવામાં આવે.

GST કાઉન્‍સિલની બેઠકમાં મેડિકલ અને હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ પ્રીમિયમ પર લેવામાં આવતા GSTના મુદ્દે ગ્રુપ ઓફ મિનિસ્‍ટર્સની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપ ઓફ મિનિસ્‍ટર્સનું નેતૃત્‍વ બિહારના નાયબ મુખ્‍ય પ્રધાન કરશે. તેઓ ઓક્‍ટોબરના અંત સુધીમાં તેમનો રિપોર્ટ સોંપી દેશે અને એ રિપોર્ટના આધારે નવેમ્‍બર મહિનામાં મળનારી GST કાઉન્‍સિલની બેઠકમાં વીમા પ્રીમિયમો પરના GSTને ઘટાડવાના મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

(9:33 AM IST)